પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા; ઊંઝા, સિદ્ધપુર અને ચાણસ્મા હાઇવે તેમજ 1st રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા, પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ.

- પાટણમાં દોઢ કલાકથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
- હાઈવે પર ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.
- રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર સુરક્ષા માટે બંધ કરાયો.
- પાણી નિકાલની અયોગ્ય વ્યવસ્થાથી સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ.
Patan Rain Update: પાટણ જિલ્લામાં જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પાટણથી ઊંઝા અને સિદ્ધપુર તરફ જતા હાઇવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, નવજીવન ચોકડીથી પાટણ-ચાણસ્મા હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
શહેરમાં વરસાદની સૌથી મોટી અસર પાટણ શહેરના 1st રેલવે ગરનાળા પર જોવા મળી રહી છે. સામાન્ય કે વધુ વરસાદ પડે એટલે આ ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આજે પણ ધોધમાર વરસાદના કારણે ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોની સુરક્ષા માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. વારંવાર રસ્તો બંધ થઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ગરનાળાનો રસ્તો બંધ થવાથી APMC અને એસપી (SP) કચેરી સહિતના વિસ્તારો તરફ જવાનો મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ ગયો છે. આટલું જ નહીં, પાટણ શહેરમાંથી હાઇવે તરફ જવાનો રસ્તો પણ ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
સ્થાનિક લોકો માટે આ કોઈ નવી વાત નથી, દર ચોમાસામાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગરનાળાનો માર્ગ પાણી ભરાવાને કારણે બંધ થઈ જ જાય છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા અહીંથી પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય જનતાએ હેરાન થવું પડે છે. હાલમાં જ્યારે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને રસ્તો બંધ છે, ત્યારે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા ગરનાળાની બંને બાજુએ તાત્કાલિક બેરીકેટ મૂકીને માર્ગને વિધિવત રીતે સુરક્ષિત કરીને બંધ કરવો જોઈએ તેવી લોકોની માંગ છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
Before You Go
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
Frequently Asked Questions
પાટણ જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે?
પાટણમાં વરસાદથી સૌથી વધુ કયો વિસ્તાર પ્રભાવિત થયો છે?
પાટણ શહેરનું 1st રેલવે ગરનાળું સૌથી વધુ પ્રભાવિત થયું છે. તેમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે.
રેલવે ગરનાળું બંધ થવાથી કઈ સમસ્યાઓ સર્જાઈ છે?
ગરનાળું બંધ થવાથી APMC, SP કચેરી અને હાઇવે તરફ જતા મુખ્ય માર્ગો અવરોધાયા છે. તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા નવી છે કે વારંવાર થાય છે?
આ સમસ્યા નવી નથી, દર ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાય છે. સ્થાનિકો નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરે છે.





















