(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં રસીકરણ બંધ રહેતા લોકો રૂપિયા ખર્ચીને રસી લેવા મજબૂર, બે દિવસમાં 11,369 ડોઝ વેચાયા
હજુ આજે પણ વેક્સિનેશનની કામગીરી બંધ છે તેથી ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવા માટે લોકો મજબુર બનશે.
રાજ્યના આરોગ્ય વિભાગે છેલ્લા ત્રણ દિવસથી રસીકરણ બંધ રાખ્યું છે. ત્યારે હવે સરકારી આરોગ્ય કેંદ્રો પર રસીકરણ બંધ થઈ જતા ખાનગી હોસ્પિટલમાં ચાલતા રસીકરણ કેંદ્રો પર બે દિવસમાં જ 11 હજાર 369 ડોઝ વેચાયા છે. જેમાં બુધવારે છ હજાર 452 અને ગુરૂવાર સાંજ સુધીમાં ચાર હજાર 917 ડોઝ વેચાયા. આ દરેક ખાનગી સેંટર પર વેક્સિનની કિંમત કિવોશિલ્ડની 780 અને તેમાં 150 સર્વિસ ચાર્જ સાથે 930 થાય છે.
બે દિવસમાં સૌથી વધુ અમદાવાદમાં બે હજાર 824 ડોઝ વેચાયા છે. હજુ આજે પણ વેક્સિનેશનની કામગીરી બંધ છે તેથી ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવા માટે લોકો મજબુર બનશે. પાંચ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગુરૂવારે એક હજાર 479, સુરત શહેરમાં 903, રાજકોટમાં 221, વડોદરામાં 152 અને ગાંધીનગર શહેરમાં 268 ડોઝ વેચાયા હતા.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 62 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. સતત બીજા દિવસે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી એક પણ મોત નથી થયું. રાજ્યમાં ગઈકાલે 534 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1497 છે. જે પૈકી 09 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15 સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરતમાં 3, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, પંચમહાલમાં 2, વડોદરામાં 2, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, નવસારી, તાપી, વલસાડમાં 1-1 સહિત કુલ 62 કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો 1497 કુલ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટીલેટર પર છે. 1488 લોકો સ્ટેબલ છે. 8,12,522 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10072 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.