Aravalli: અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી, પોલીસકર્મી, SRP જવાન ઝડપાયા
અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા જ દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે ધરપકડ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા જ દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે ધરપકડ કરી હતી. બોર્ડર વિસ્તારમાં પોપટ ભરવાડ નામનો પોલીસકર્મી, એસઆરપી જવાન રાહુલ દેસાઈ સાથે મળીને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. રિક્ષામાં 27 પેટી દારુ લાવીને કારમાં મુકતી વખતે જ LCBની ટીમ ત્રાટકી હતી. દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને SRP જવાન રાહુલ દેસાઈને LCBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોપટ ભરવાડ શામળાજી અણસોલ ચેક પોસ્ટ પર ફરજ બજાવે છે. જ્યારે રાહુલ દેસાઈ અંકલેશ્વરમાં ફરજ બજાવે છે. પોલીસકર્મી પોતે જ દારૂની હેરાફેરી કરતો હોવાની ઘટના બનતા વધુ એક વખત ખાખી પર દાગ લાગ્યો હતો.
શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની બાજ નજર
નવા વર્ષના સ્વાગત માટે જ્યારે લોકો થર્ટી ફર્સ્ટની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અરવલ્લી પોલીસ અસામાજિક તત્વોના મનસૂબા પર પાણી ફેરવવા સજ્જ થઈ છે. ગુજરાત-રાજસ્થાનને જોડતી 10 સરહદી ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની બાજ નજર છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા 48 જેટલા નાકા પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તપાસ કરવામાં આવશે. આ સુરક્ષા કવચને મજબૂત બનાવવા માટે 4 DYSP અને 19 PSI સહિત કુલ 761 પોલીસ જવાનોનો કાફલો મેદાનમાં ઉતારાયો છે. દરેક વાહન ચાલકની બ્રેથ એનેલાયઝર વડે તપાસ કરવામાં આવશે. નશાના સોદાગરોને પકડવા માટે CCTV અને ડ્રોન દ્વારા આકાશમાંથી પણ સર્વેલન્સ રાખવામાં આવશે. પોલીસનો મુખ્ય હેતુ રાજ્યમાં ઘૂસાડાતા ગેરકાયદેસર દારૂના જથ્થાને પકડવાનો અને યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાનો છે. જો તમે પણ 31મીની ઉજવણી માટે અરવલ્લીના રસ્તે નીકળવાના હોવ, તો સાવધાન રહેજો, કારણ કે પોલીસની નજર તમારા પર છે.
સુરત પોલીસની હોટલ સંચાલકોને ચેતવણી
31ફર્સ્ટ નિમિત્તે સુરત પોલીસે હોટલ સંચાલકોને ચેતવણી આપી હતી કે જો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ હોટલમાં પકડાશે તો સંચાલકને જેલની હવા ખાવી પડશે. પાલ વિસ્તારમાં પોલીસે હોટલમાં ચેકિંગ કર્યું હતું. હોટલ, પાનના ગલ્લાઓ સહિતના અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. 31ફર્સ્ટ નિમિત્તે સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. હોટલના રજિસ્ટર ચોપડાઓ પણ ચકાસવામાં આવી રહ્યા છે. હોટલોમાં દારૂ પાર્ટીઓ વધારે થતી હોઈ છે એના જ કારણે પોલીસ અત્યારથી જ હોટલ પર ચેકિંગ કરી રહી છે.



















