Gujarat Rain: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

Gujrat Rain Forecast: ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. અરવલ્લી, મહેસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં હળવા વરસાદનું અનુમાન છે.
12 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. કચ્છમાં પણ વધારે વરસાદનું જોર રહે તેવી શક્યતા નથી. એકાદ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સપ્તાહમાં પુર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત,મધ્ય પ્રદેશ, પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશથી વધુ વરસાદ થઇ શકે છે. જામનગર, રાજકોટ,મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વામાન વ્યક્ત કર્યું છે. ટૂંકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં સરેરાશથી વધુ તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાનું અનુમાન છે.
હાલના હવામાનના મોડલને જોતા કહી શકાય કે, ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઇ એંઘાણ નથી. હવામાન વિભાગે ઓગસ્ટના અંતિમ 2 સપ્તાહ સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી કરી છે.
દેશમાં ચોમાસાનો એક ભાગ પસાર થઈ ગયો છે. હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી કરી છે. IMD કહે છે કે ગુજરાત સિવાય બિહાર, કેરળ અને ઉત્તરપૂર્વ ભારત જેવા કેટલાક પ્રાદેશિક અપવાદોને બાદ કરતાં, ચોમાસાની ઋતુના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દેશભરમાં 'સામાન્યથી વધુ' વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ઓગસ્ટમાં વરસાદ 'સામાન્ય' રહેવાની ધારણા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 'સામાન્યથી વધુ' રહેવાની શક્યતા છે. આનાથી કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA) કરતા 6% વધુ થશે. જૂન-જુલાઈમાં ચોમાસું સામાન્ય કરતા 6.5% વધુ હતું.





















