Gujarat Rain: ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 231 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો ?
ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 231 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નોંધાયો છે.
ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 231 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નોંધાયો છે. સાંતલપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં ભારે વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસમા પણ જોરદાર વરસાદ વરસ્યો છે.
કચ્છના અબડાસામાં, દ્વારકાના ખંભાળીયામાં અને રાજકોટના ઉપલેટામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ , બોટાદના ગઢડા , બનાસકાંઠાના વડગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ, માંગરોળ કચ્છના રાપર સુરેન્દ્રનગરના ચોટીલા અને બોટાદના બરવાળામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
પાટણના સિદ્ધપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માળિયા હાટીનામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેતપુરમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. ભારે વરસાદના કારણે જેતપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયા છે. શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ ગઢની રાંગ વિસ્તારમાં હોકળાના પાણી શેરીમાં ઘુસી ગયા હતા. ગઢની રાંગ વિસ્તારમાં પાણી ફરી વરતા બાળકોએ સ્વિમિંગ પુલની જેમ ન્હાયા હતા. જેતપુર નવાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતપુરના વડલી ચોક, લાદી રોડ, એમજી રોડ, કણકિયા પ્લોટ, હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા હતા.