Navsari Rain: નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નવસારી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જલાલપોરમાં ત્રણ ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, વાંસદા, ચીખલીમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. નવસારી શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા.
સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાયા
ધોધમાર વરસાદને પગલે નવસારી શહેરનો છાપરા રોડ વિસ્તાર તળાવમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છાપરા રોડ વિસ્તારમાં આવેલ અનેક રહેણાંક સોસાયટીઓમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. પ્રિ-મોનસૂનની કામગીરીમાં લાખોનો ખર્ચ કર્યા છતા મહાનગરપાલિકાએ રોડનું કામ અધુરુ છોડી દેતા વિસ્તાર આખો જળબંબાકાર થયો.
વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિકો પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાતા સવારે નોકરી ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા. શાંતાદેવી રોડ પર વરસેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર પાણી ભરાતા વાહનો તરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જળભરાવની સ્થિતિને લઈને છાપરા રોડ પર હોસ્પિટલ, આશાપુરી મંદિર, મંકોડીયા જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો ફરીને જવા માટે મજબુર બન્યા હતા. મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદથી ધાનેરા પોઈન્ટ વિસ્તાર પાણી પાણી થયો. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા વાહનોના પૈંડા પણ થંભી ગયા હતા.ટ્રાફિક જામમાં ફસાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.



















