Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત, પાલનપુરમાં લોકોના ઘરમાં ભરાયા પાણી
બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જિલ્લાના મુખ્યમથક પાલનપુર સહિત વડગામ, ડીસા, લાખણી, ધાનેરા, થરાદ અને વાવ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જિલ્લાના મુખ્યમથક પાલનપુર સહિત વડગામ, ડીસા, લાખણી, ધાનેરા, થરાદ અને વાવ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડગામ તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ડીસા અને લાખણી તાલુકામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેને લઈ ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘરનો સામાન વરસાદી પાણીમાં તરવા લાગ્યો હતો.
આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા વિદ્યાર્થી સહિત સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરના મલાણા પાટીયા પાસે પણ ભરાયા વરસાદી પાણી. રસ્તા જ પાણીમાં ગરકાવ થતાં રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા હતા. પાલનપુરથી મલાણા, ભૂતેડી, રાજપુર, લુણવા, ભટામણ સહિતના ગામોમાં જવાના માર્ગ પર પાણી ભરાયા છે. અહીં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. જેને લઈ ગ્રામજનોને 10 કિલોમીટરનો ફેરો ફરીને પાલનપુર આવવું પડે છે.
સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોસ્ટેલ પાસે પાણી ભરાયા
પાલનપુરના ગઠામણ પાટીયા, વીરપુર પાટીયા, ધનિયાના ચોકડી રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોસ્ટેલ પાસે પણ પાણી ભરાયા છે. આ સાથે જ જૂનું બસ સ્ટેશન પણ પાણી-પાણી થયું છે. પાલનપુરના પોલિટેકનિક રોડ પર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ રાહદારી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પોલિટેકનિક રોડ પર આવેલી કન્યાશાળામાં પાણી ભરાતા વિદ્યાર્થિનીઓને મુશ્કેલી પડી હતા. દર ચોમાસમાં અહીં પાણી ભરાતા લોકોમાં ભારે નારાજગી છે. થરાદ-ધાનેરા નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. થરાદના રાહ ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.
ભરુચના વાલિયા આભ ફાટ્યું
ભરૂચ જિલ્લાનું વાલિયા જ્યાં આભ ફાટ્યું હતું. મોડી રાત્રે વરસાદ વરસવાનું શરૂ થયું અને આજે સવાર સુધી વરસાદ વરસતો રહ્યો. 18 ઈંચ વરસાદ વરસતા વાલિયા જળબંબાકાર થયું હતું. જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. વાલિયા તાલુકાના ગામો બેટમાં ફેરવાયા હતા. ગામને જોડતા માર્ગો જ પાણીમાં ડૂબી જતાં ગામ સંપર્કવિહોણા બન્યા હતા. ભરૂચ શહેર સહિત નેત્રંગ, અંકલેશ્વર સહિતના તાલુકા જળબંબાકાર થયા હતા.
વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચારે તરફ કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. ડહેલી ગામના કાછોટા ફળિયામાં પાણી ભરાતા 87 લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડહેલી ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. વાલિયામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈ જવાનો પ્રયાસ કરનાર 2 ઈકો કારના ચાલક ફસાયા હતા. ટ્રેક્ટરની મદદથી બંને કારને બહાર કાઢવામાં આવી હતા.
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી