Gujarat Rain: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
આ સિવાય મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને ડાંગમાં પણ ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે શનિવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. શનિવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ
રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં ચોમાસાની સિઝન જામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલા, સુરતના મહુવા તેમજ જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે.





















