હવામાન વિભાગનું 'રેડ એલર્ટ': આગામી 3 કલાકમાં 3 જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે. આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, અમદાવાદ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદ અને પવનની ગતિની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રેડ એલર્ટ જાહેર કરાયેલા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 'યલો એલર્ટ' અને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 05 થી 15 MM વરસાદ પડવાની અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી અનિવાર્ય છે.
રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે, અને ત્યારબાદ તેની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આગામી 3 કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જૂન 22 થી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી , જ્યાં માત્ર 2 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબકતા ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 16 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં NDRFની 12 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.





















