કયા જિલ્લાની સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો ? જાણો વિગતે
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોનાના કેસનો રેકોર્ડ બની રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી 2200થી વધુ કેસ (Gujarat Corona Cases) નોંધાઈ રહ્યા છે. કોરોના (corona) ના વકરતા સંક્રમણને લઇ દાહોદ (Dahod) જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદ સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ નેગેટીવ ફરજિયાત કરાયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દૈનિક હજારો લોકો દાહોદમાં પ્રવેશ કરે છે.
આ પહેલા ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અન્ય કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પહેલા તમારે RT-PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. 1 એપ્રિલથી નવી સૂચના ન મળે ત્યા સુધી લાગૂ પડશે નિયમ.
રાજ્યમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)સંક્રમણથી મૃત્યુ થયાં હતા. 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા હતા. આમ રાજ્યમાં સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત
રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
કેટલા MLA આવ્યા અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં
વિધાનસભા સત્ર પૂર્ણ થાય એ પહેલા એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ (Dushyant Patel) કોરોના (Corona virus) સંક્રમિત થયા હતા. મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો (MLA) કોરોનાની ઝપેટમાં આવ્યા છે.