હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત, રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી
હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિત અન્ય બે લોકોને રાજદ્રોહના કેસમાં મોટી રાહત મળી છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો.

અમદાવાદ: હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મોટી રાહત મળી છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો. જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી જેને સુરતની સેશન્સ કોર્ટે માન્ય રાખી છે. જેથી તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી મુક્તી મળી છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં ખૂબ જ મોટી રાહત મળી છે. સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાંથી તેમને મુક્તિ મળી છે. સુરતની સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાંથી હાર્દિક પટેલને મુક્ત કર્યા છે. હાર્દિક પટેલ,અલ્પેશ કથીરિયા,વિપુલ દેસાઈ અને ચિરાગ સામે કેસ નોંધાયા હતા. આરોપીઓ સામેની અરજીને પાછી ખેંચવાના સરકારના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે મંજૂરી આપી છે.
આંદોલનના 10 વર્ષ બાદ સરકારે આપી રાહત
2015માં પાટીદારો દ્વારા ગુજરાતમાં અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ સમયાંતરે કરવામાં આવી રહી હતી.
ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન કેટલાક નિવેદન અને પ્રવૃત્તિઓને લઈને સુરતમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને સમયાંતરે તેની સુનાવણી પણ થતી રહી હતી.
રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે આ કેસમાં આરોપીઓ સામે દાખલ કરેલી અરજીને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ મામલો સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સરકારના નિર્ણયને ધ્યાનમાં લઈને તમામ કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કર્યું અને અંતે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
સુરત સેશન્સ કોર્ટના આ નિર્ણય બાદ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગને રાજદ્રોહના કેસમાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે. કોર્ટના આદેશથી વર્ષોથી ચાલતી કાનૂની પ્રક્રિયા પર પૂર્ણવિરામ લાગ્યું છે.
શું હતો સમગ્ર કેસ ?
2015 માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો.





















