આ સ્વામિનારાયણના સાધુ નહીં સુધરે! સગીર સાથે અકુદરતી કૃત્ય કરતો સાધુ વાયરલ વિડિયોમાં કેદ
ચેરમેન હરિજીવન સ્વામી સાથે સાધુની તસવીરો પણ વાયરલ, સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા તીવ્ર વિરોધ અને કાર્યવાહીની માંગ.

Swaminarayan sect controversy: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર એક વાયરલ વિડિયોએ ખળભળાટ મચાવી દીધો છે, જેમાં એક સ્વામિનારાયણ સાધુને ૧૭ વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડિયો સામે આવતા જ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
વાયરલ થયેલા વિડિયોમાં દેખાતા સાધુની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિડિયો સાથે ચેરમેન હરિજીવન સ્વામી સાથેના તેમના ફોટા પણ વાયરલ થયા છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના મહામંત્રી હશુંભાઈ વાઘાણીએ આ ઘટનાને ધર્મને બદનામ કરનારી ગણાવી છે અને આવા "નફ્ફટ બાવાઓ"ને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે.
હશુંભાઈ વાઘાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આવા બાવાઓ ધર્મના નામે કલંક છે. તેઓ કિશોરવયના બાળકો સાથે ગંદી કરતૂતો આચરી રહ્યા છે, જે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં." તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આવા સાધુઓ કિશોરવયના બાળકોને માત્ર ૫૦૦ રૂપિયા આપીને આવા કૃત્યો કરાવતા હોવાની પણ ફરિયાદો મળી રહી છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમિતિનું કહેવું છે કે આવા તત્વો ધર્મને બદનામ કરી રહ્યા છે અને સમાજમાં ખોટો સંદેશો ફેલાવી રહ્યા છે. સમિતિએ સરકાર અને સંપ્રદાયના વડાઓને આ બાબતે ગંભીરતાથી ધ્યાન દોરીને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે. હાલમાં, વાયરલ વિડિયો અને સમિતિના આક્ષેપોને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થિત એક સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીનો કથિત વાયરલ વીડિયો સામે આવતા સનસનાટી મચી ગઈ હતી. આ વીડિયોમાં ગુરુકુળના ખજાનચીને એક ભગવાધારી યુવાન સાથે કથિત રીતે કામલીલા કરતા દર્શાવવામાં આવ્યા હતા એવો દાવો કરાયો હતો. વીડિયો વાયરલ થતાં જ સનાતની સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
વાયરલ થયેલો કથિત વીડિયો ધોરાજીના એક ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું માનવામાં આવ્યું હતું. વીડિયોમાં દેખાતા સ્વામીજી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના પગલે સનાતની હિન્દુઓમાં તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.
સમાચાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વીડિયો વાયરલ થયા પછી સ્વામિનારાયણ સંપ્રદાયે તુરંત પગલાં લીધા હતા. સંપ્રદાય દ્વારા વાયરલ વીડિયોમાં દેખાતા ખજાનચી સ્વામીને તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી એવો દાવો કરાયો હતો.
દરમિયાન, મંદિર ટ્રસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો આજકાલનો નહીં પરંતુ 10 મહિના જેટલો જૂનો હતો. જો કે, આ દાવા છતાં, વીડિયોની ગંભીરતા અને તેનાથી ફેલાયેલા આક્રોશને જોતા મામલો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો.
આ પણ વાંચો...
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ





















