સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કોનો થયો વિજય ? કોને મળ્યા કેટલા મત ?
વડતાલ ટેમ્પલ મેનેજીંગ બોર્ડની સાત પૈકી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ બેઠકો અગાઉ બિનહરીફ આવી હતી.
ખેડાઃ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટા મનાતા વડતાલ ટેમ્પલ બોર્ડ ચૂંટણીમાં દેવ પક્ષનો ભવ્ય વિજય થતાં વડતાલ મંદિરનો વહીવટ દેવ પક્ષ કરશે. વડતાલ ટેમ્પલ બોર્ડ ચૂંટણીમાં દેવ પક્ષના તમામ 4 ગૃહસ્થ ઉમેદવારોને 30 હજાર કરતાં વધારે મત મળ્યા છે. આ ઉમેદવારોમાં ઉમેદવાર પ્રદિપભાંઈને 32,808 મત, શંભુભાઈને 32,769 મત, સંજયભાઈને 32,840 મત અને મહેન્દ્રભાઈને 32,853 મત મળતાં ચારેયનો ભવ્ય વિજય થયો છે.
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું તેમાં દેવ પક્ષના તમામ ઉમેદવેર જંગી બહુમતિથી વિજય મેળવ્યો હતો. જીતના ખુશી વ્યક્ત કરતાં દેવપક્ષના સંતો અને ઉમેદવારોએ એકબીજા ને હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.
દેવપક્ષે ABP અસ્મિતા સાથેની વાત દરમિયાન જણાવ્યુ હતું કે, આવનારા સમયમાં લોકહિત માટે કામ કરીશું. હરિભક્તોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે એ બદલ ભક્તોનો આભાર પણ દેવપક્ષે માન્યો હતો.
મહત્વનુ છે કે, આ મતદાન બેલેટ પેપરથી થયું હોવાથી મતગણતરીમાં સમય વધારે લાગ્યો હતો. મંગળવારે મોડી રાત્રે જાહેર કરાયેલાં પરિણામોમાંદેવપક્ષનો વિજય થયો હતો. 94 મતદાન મથકોએ યોજાયેલી ચૂંટણી માટે 6 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં આશરે 38 હજાર કરતાં વધારે હરિભક્તો એ મતદાન કર્યું હતું.
મંગળવારે ચૂંટણી અધિકારીની હાજરીમાં સ્ટ્રોંગરૂમનું સીલ તોડી બેલેટની ગણતરી કરવામાં આવી હતી. સભા મંડપ ખાતે મતપેટીઓને લાવી ગણતરી હાથ ધરવામાં આવી હતી, બેલેટને સો-સો ના બંચમાં ગોઠવવામાં વધુ સમય વિતતા આ પ્રક્રિયા થોડી મોડી ચાલુ થઈ હતી.
મતગણતરી કુલ 12 ટેબલો પર હાથ ધરાઈ. વડતાલ ટેમ્પલ મેનેજીંગ બોર્ડની સાત પૈકી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ બેઠકો અગાઉ બિનહરીફ આવી હતી. બિનહરીફ આવેલ આ તમામ બેઠક દેવપક્ષના ફાળે જતાં તમામ સાત બેઠકો દેવ પક્ષે કબજે કરી છે. વિજયી બનેલા દેવ પક્ષ વડતાલ અને વડતાલ તાબના તમામ મંદિરનો વહીવટ સંભાળશે.