Gujarat Rain: કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ, જાણો તંત્રએ ખેડૂતોને સાવચેતીના પગલા માટે શું કર્યો અનુરોધ
અમદાવાદ: કાળઝાળ ગરમી વચ્ચે આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીએ રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા માટે કેટલાક સુચનો કર્યા છે.
અમદાવાદ: કાળઝાળ ગરમી વચ્ચે આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીએ રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા માટે કેટલાક સુચનો કર્યા છે. હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.
વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.
વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે..
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.
રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.