રાજ્યના આ તાલુકામાં આભ ફાટ્યુ, 8 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો
મુશળધાર વરસાદને લીધે જિલ્લાના 19 માર્ગો પર પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી.
વલસાડ જિલ્લામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ઉમરગામ તાલુકામાં તો આભ ફાટ્યુ હોય તેમ માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સાથે જનજીવન પ્રભાવિત થયું હતુ. મુશળધાર વરસાદને લીધે જિલ્લાના 19 માર્ગો પર પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારના ચાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં ઉમરગામમાં આઠ કલાકમાં જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ મેગરાજા મહેરાન થતા 10.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં ધોધમાર વરસાદથી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગો અને નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા હતા.
ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાના મોહનગામ, દમણ રોડ, દહેરી-ગોવાડા રોડ, ભિલાડ, નગવાસ, અંકલાસ-વડીપાડા રોડ, સંજાણ-તલાસરી રોડ, તોળસુબા-કોળીવાડ રોડ, મરોલી-દાંડી રોડ, સરીગામ બાયપાસ રોડ, ઉમરગામ ટાઉનથી સ્ટેશન સહિતના 16 રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. જ્યારે કપરાડામાં અરણાઈ- કુંડા ધામણી રોડ, પારડીમાં રોહિણા-બરઈ રોડ અને અરનાલી પાટી-સુખાલા રોડ બંધ બંધ કરાયો હતો. આમ ભારે વરસાદને કારણે જિલ્લાના 19 માર્ગો પણ પાણી ફરી વળતા બંધ કરાયા હતા.
દ. ગુજરાતના ત્રણ જિલ્લા એલર્ટ પર
વલસાડ, નવસારી અને ડાંગ દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં અલર્ટ અપાયુ છે.
આ ત્રણ જિલ્લામાં NDRFની ટીમને સ્ટેંડબાય રાખવામાં આવી છે. તો વડોદરાથી NDRFની વધુ એક ટીમ દક્ષિણ ગુજરાત મોકલાશે. તો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જો કે, સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ મોકલવી કે કેમ તે આગામી આગાહીના આધારે નિર્ણય કરાશે.
વરસાદ આગાહી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી તો ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.