(Source: ECI/ABP News/ABP Majha)
Panchmahal: હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી મહત્વના દસ્તાવેજોની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ
હાલોલ તાલુકા પંચાયત કચેરીથી મહત્વના દસ્તાવેજોની ચોરીની ઘટના બની છે. હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સંઘના જૂના આવાસના મકાનમાં તિજોરીમાં મૂકાયેલા મહત્વના રેકોર્ડ અને દસ્તાવેજોની ગતરાત્રીના ચોરી થઈ
પંચમહાલ: પંચમહાલના હાલોલ તાલુકા પંચાયત કચેરીથી મહત્વના દસ્તાવેજોની ચોરીની ઘટના બની છે. હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સંઘના જૂના આવાસના મકાનમાં તિજોરીમાં મૂકાયેલા મહત્વના રેકોર્ડ અને દસ્તાવેજોની ગતરાત્રીના ચોરી થઈ છે. મધરાતે તસ્કરો પંચાયત કચેરીના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદરથી વર્ષ 1963થી 2018 સુધીના વર્ષ દરમિયાન થયેલા જમીન NAના હુકમો, નકશાઓની ચોરી કરી ગયા છે.
જ્યારે અન્ય દસ્તાવેજો છોડી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ રૂમ ખોલાવી રેકોર્ડ મંગાવતા ચોરી થયાનું સામે આવ્યું છે. હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસને આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા છે.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની કરાઇ નિમણૂક?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે.
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.
ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૮ માં તેમની નિવૃત્તિ પર, સ્વ. શ્રી અરુણ જેટલી, ભારતના તત્કાલીન નાણામંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે "ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા."