રાજ્યમાં હજુ 8 દિવસ વરસાદના કોઈ વાવડ નહીં, ૩ વર્ષની સરખામણીએ ચોમાસાનો નબળો પ્રારંભ
૨૫.૦૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર. વાવણી કરનારા ખેડૂતો ચિંતામાં.
રાજ્યમાં હજુ 8 દિવસ વરસાદ ખેંચાશે.આ આગાહી કરી છે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટે. જે મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી 20 સુધીમાં પોણાથી એક ઈંચ કરતા વધારે વરસાદ નથી દેખાઈ રહ્યો. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.
રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગાંધીનગર સહિતના જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતમાં સારા વરસાદને પગલે વાવતેર તો કરી દીધું.પણ હવે જો વરસાદ નહીં આવે તો નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
ખેડૂત પરિવારોએ રાત-દિવસ એક કરીને વાવેતર કરી દીધુ છે અને મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ કર્યો છે. પરંતુ વાવેતર બાદ વરસાદ પડ્યો નહીં. જેના કારણે વાવેતર કરેલા પાક હાલ વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે. અને જો વરસાદ દસેક દિવસ ખેંચાશે તો મુરઝાતો પાક સંપૂર્ણ નાશ થઈ જશે. મહત્વનું છે રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે.
જો આ ઠ દિવસ સુધી વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, ઘાસચારો, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકને નુકસાનની ભીતિ છે.
પિયતની સગવડ છે ત્યાં વાંધો નહીં આવે પણ જ્યાં વરસાદ આધારીત ખેતી થાય છે ત્યાં મોટી સમસ્યા સર્જાઇ શકે છે. કેનાલ આધારીત ખેતી છે ત્યાં કેનાલમાં પાણી કરવાનું સરકાર વિચારી રહી છે. બોરા આધારીત ખેતી થાય છે ત્યાં સરકાર બે કલાક વીજ પૂરવઠો આપવા વિચારણા છે. ઉત્તર ગુજરાતમાં ખેતી લાયક વરસાદ પડયો નથી, કચ્છમાં પણ આ જ સ્થિતિ. અમદાવાદ જિલ્લામાં ડાંગરના ધરૂ વાળીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખારીકટ અને ફતેવાડી કેનાલમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતોની માંગ છે. દસક્રોઇ, સાણંદ, ધોળકા, બાવળા તાલુકાને ડાંગરના ધરૃ બળી જવાનો ભય ખેડૂતોને છે.