બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, કેટલા દિવસ માટે કરાઈ ભારે વરસાદની આગાહી, જાણો
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
ગાંધીનગર: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ યથાવત છે. દિયોદર ધાનેરા અને કાંકરેજમા ભારે ઉકળાટ બાદ આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. શિહોરી ઉંબરી અને પાદડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ
રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે રાજ્યમાં ૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ અઢી ઈંચ, રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ જ્યારે પોરબંદરના કુતિયાણામાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના જે તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો તેમાં છોટા ઉદેપુરના સંખેડા-બોડેલી, વડોદરાના ડભોઇ, જામનગરના કાલાવડ, ભાવનગરના ઘોઘા, જુનાગઢના માણાવદર, રાજકોટના જેતપુર, ભરૃચના વાગરા, જામનગરના લાલપુર, બનાસકાંઠાના વડગામ, વડોદરાના કરજણ, છોટા ઉદેપુરના જેતપુર પાવી, બનાસકાંઠાના પાલનપુર, આણંદના ઉમરેઠનો સમાવેશ થાય છે. આ સિવાય ૩૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
આ સાથે જ રાજ્યમાં હવે ૨૪.૦૯ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૭૩ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં હવે માત્ર ૧૯ ટકા વરસાદની ઘટ છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 86.06 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 75.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.41 ટકા, મધ્ય ગુજરાત 61.42 ટકા અને ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસાદ નોંધાયો છે.