વલસાડના પાંડવકુંડમાં ડૂબી જતાં ૪ યુવકો કાળનો કોળિયો: કોલેજના વિદ્યાર્થીઓ સહિત ચારના કરૂણ મોત
કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામ નજીક બની ઘટના, વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા.
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામ નજીક પાંડવકુંડમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ચાર યુવકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. આ ગોઝારી ઘટનાએ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ ફેલાવી દીધો છે.
મૃત્યુ પામનાર યુવકોની ઓળખ ધનંજય લીલાધર ભોંગરે, આલોક પ્રદીપ શાહ, અનિકેલ સંજીવ સીંગ અને લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી તરીકે થઈ છે. જ્યારે ડૂબતા બચાવ પામેલા વ્યક્તિ રિક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીની કેબીએસ કોલેજના આઠ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં સવાર થઈને પાંડવકુંડ ફરવા માટે ગયું હતું. જ્યાં કમનસીબે, નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ અને એક રિક્ષાચાલક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. રિક્ષાચાલકને સમયસર બચાવી લેવામાં આવ્યો હતો અને હાલમાં તે સુરક્ષિત છે.
આ કરૂણ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ચાર યુવકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાપી કેબીએસ કોલેજમાં પણ આ બનાવથી ગમગીની ફેલાઈ છે અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પાંડવકુંડ જેવું રમણીય સ્થળ આજે ગમખ્વાર દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે, જેને પગલે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે.




















