Gir Somnath: ગીરમાં સિંહની પજવણી કરનાર બે યુવકોની ધરપકડ, પરંતુ ભાજપ નેતા સામે કાર્યવાહી ન થતા લોકોએ ઉઠાવ્યા સવાલો
ગીર સોમનાથ: ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
ગીર સોમનાથ: ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાના વીડિયો વાયરલ થતા સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામ નજીક સિંહોને ત્રાસદાયક પજવણી કરવામાં આવી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વનવિભાગ દ્વારા આ મામલે હરેશ બાંબા, મધુ જોગદીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજુર થતા આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી તો રાજકીય નેતાઓ સામે હજૂ સુધી કેમ નહિ? આ સવાલ એટલા માટે સામે આવ્યો છે કારણ કે, થોડા દિવસ પહેલા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે, તેમની સામે આટલી ઝડપી કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
હોસ્પિટલેથી દવા લઈ પરત ફરતી મહિલાને એસટી બસે અડફેટે લેતા મોત
ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ નજીક એસ.ટી. બસે મહિલાને અડફેટે લીધી છે. આ અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. ભાવનગર દ્વારકા એક્સપ્રેસ બસના ડ્રાઈવરે મહિલાને અડફેટે લેતા અરેરાટી મચી છે. મહિલા સરકારી દવાખાનેથી દવા લઈ રોડ પર જતી હતી ત્યારે બસે અડફેટે લીધી હતી. આ બનાવમાં 42 વર્ષીય મહિલા રંજન બા ગોહીલનું મોત થયું છે. મૃતક મહિલા રંઘોળા ગામની વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહિલાને પી.એમ.અર્થે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારથી થશે શરૂ
ગુજરાતમાં ચોમાસાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસાને લઇને માહિતી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તી અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી મધ્યમ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે, એટલુ જ નહીં સાથે સાથે સમયસર અથવા તો થોડું મોડું પણ શરૂ થઈ શકે છે. ખાસ વાત છે કે, આગામી 4 જુનથી કેરળમાં ચોમાસુ બેસી જશે, જ્યારે ગુજરાતની વાત કરીએ તો આગામી 19 જુન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.