પૈસાનો વરસાદ ના થતા બે યુવકોનું કરાયું અપહરણ, પોલીસે આ રીતે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા
અમદાવાદના સાણંદથી બે વ્યકિતનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગનારાઓને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યા છે
સિદ્ધપુરઃ અમદાવાદના સાણંદથી બે વ્યકિતનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગનારાઓને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે બે મહિલા સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી જાણકારી અનુસાર ,સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પાંચ ડિસેમ્બરના રોજ સાણંદના તેજલભાઈ મિસ્ત્રીએ તેમનો નાનો ભાઈ સુરેશભાઈ ગુમ થયો છે અને તેનું કોઈએ અપહરણ કર્યું છે અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે તેવી ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ એકશનમાં આવી હતી અને રૂપિયા આપવાના બહાને પોલીસે આખી ટ્રેપ બનાવી હતી. જેમાં ગેંગનો એક સભ્ય મનિષ રબારી રૂપિયા લેવા આવતાં જ તેને દબોચી લીધો હતો અને બાદમાં આખી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસે બનાસકાંઠાના પાલનપુર આકેસણ ફાટક પાસેથી સુરેશ મિસ્ત્રી અને ભાવિન પંચાલને અપહરણ કારોના ચૂંગલમાંથી મુક્ત કરાવ્યા હતા.
પોલીસે અપહરણ અને ખંડણી મામલે આશિષ પંચાલ, તલાજી ઠાકોર, મનીષ રબારી, ખુશ્બુબેન ગુપ્તા, અમિતાબેન પુરોહિત, વસીમ મેમણ અને હુજેફા સિપરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે અપહરણ પાછળ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. સાણંદના બંને યુવકો વિધી કરી પૈસાનો વરસાદ કરી આપવાના હતાં પરંતું રૂપિયાનો વરસાદ ના થતા અપહરણ કરવામાં આવ્યું હતું. સાણંદમાંથી સુરેશભાઈ અને ભાવિન નામના બે શખ્સોને ગોંધી રાખી તેના પરિવારજનો પાસે 10 લાખની ખંડણી માગવામાં આવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
Surat : કોર્ટે ફાંસીની સજા સંભળાવી ત્યારે નરાધમનું કેવું હતું વર્તન? જાણો વિગત