અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે માવઠું પડ્યું હતું. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું હતું.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે માવઠું પડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉભરાણ, સુલપાણેશ્વર સહિતના ગામડાઓમાં મોડી રાત્રે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને પગલે ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
રાજ્યના સાત તાલુકામાં વહેલી સવારથી બરબાદીનો વરસાદ વરસ્યો હતો. વડાલી, ઈડર, ખેડબ્રહ્મા અને હિંમતનગર, અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં માવઠું પડ્યું હતું. સૌથી વધારે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યુ હતું. ઉભરાણ, સુલપાણેશ્વર સહિતના ગામડાઓમાં મોડી રાત્રે ક્યાંક જોરદાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારની સાથે ભિલોડાના સુનોખ, વશેરા કંપામાં પણ બરબાદીનું માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, જીરું, બટાકા અને રાયડાના પાકમાં નુકસાનીની શક્યતા છે. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાની અસરથી બટાકા સહિત અન્ય પાકમાં રોગ થવાની શક્યતા છે.
વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદથી ખેતી પાકમાં નુકસાનીની શક્યતા જોવામાં આવી રહી છે. ઘઉં, બટાકા, ચણા સહિતના પાકમાં નુકસાનીની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત થયા હતા. પાટણના સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. સિદ્ધપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી હતી. જિલ્લામાં મોડી રાતથી જ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ડીસા, દાંતીવાડા, દાંતા, અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં માવઠું પડ્યુ હતું. જિલ્લામાં સતત પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરિયાળી, એરંડા, રાયડા, બટાકા, ઘઉં, જીરું અને ઈસબગુલના પાકમાં વરસાદથી નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નવસારીના વાંસદા અને આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વાંસદાના ઉપસડ અને આસપાસના ગામડાઓમાં માવઠું પડ્યુ હતું. જેને લઈ નાગલી સહિત શાકભાજીના પાકમાં નુકસાન થઈ શકે છે. રાજ્યના 21 જિલ્લા પર આજે માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
