રાજ્યમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ 45થી વધુ વયના લોકોનું રસીકરણ મોકૂફ
શુક્રવારથી ત્રણ દિવસ 45 થી વધુ વયના લોકોના વેક્સિનેશન પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યમાં 45 વર્ષથી વધુ વયના લોકોનું આગામી ત્રણ દિવસ રસીકરણ (Vaccination )મોકૂફ રાખવામાં આવ્યું છે. શુક્રવારથી ત્રણ દિવસ 45 થી વધુ વયના લોકોના વેક્સિનેશન પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. જો કે, 18થી 44 વર્ષ સુધીના લોકો માટે વેક્સિનેશન સેંટર ચાલુ રહેશે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના પગલે ગુજરાત (Gujarat)માં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની છે. એપ અને એપડેશનના કારણે બંધ રહેશે. જેના પગલે સમગ્ર રાજ્યમાં તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકોની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.
45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવારથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ફરી શરૂ કરવામાં આવશે. 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો મેસેજ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓક્સફોર્ડ -એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિન (Covishield Vaccine)ના બે ડોઝની વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 અઠવાડિયા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રસીકરણ તકનિકી સલાહકાર સમૂહે (NTAGI) કોરોના એન્ટી કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે વર્તમાન 6-8 સપ્તાહનો ગેપ વધારીને 12-16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે.
દેશમાં 17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ?
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.