દીકરીના જન્મ પર ગુજરાત સરકાર આપશે ₹૧,૧૦,૦૦૦ ની સહાય, જાણો યોજનાની પાત્રતા અને લાભ
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો ઉમદા હેતુ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ.
Vahali Dikri Yojana 2025: ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'વ્હાલી દીકરી યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીભ્રૂણ હત્યાને અટકાવવાનો અને દીકરીઓના જન્મદરને વધારવાનો છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના જન્મ સમયે અને ત્યારબાદ નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેઓ દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળી શકે.
યોજનાનો હેતુ અને પાત્રતા
વ્હાલી દીકરી યોજના ખાસ કરીને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રીભ્રૂણ હત્યાને અટકાવવાના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ તા.૦૨/૦૮/૨૦૧૯ ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે. યોજનાની પાત્રતા માટે નીચેના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે:
દીકરી પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની હોવી જોઈએ. પ્રથમ ત્રણ સંતાનોમાં દીકરીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે.
દીકરીના માતા-પિતાએ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોવા જોઈએ.
દંપતિની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ:
વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ સહાય નીચે મુજબ છે:
પ્રથમ હપ્તો: દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૪,૦૦૦ ની સહાય.
બીજો હપ્તો: દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. ૬,૦૦૦ ની સહાય.
ત્રીજો હપ્તો: દીકરી જ્યારે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂ. ૧,૦૦,૦૦૦ ની સહાય.
અરજી માટે જરૂરી પુરાવાઓ:
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નીચે મુજબના પુરાવાઓ રજૂ કરવાના રહેશે:
લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
માતા-પિતાના આધાર કાર્ડ
માતા-પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર (ઉંમરના પુરાવા તરીકે)
માતા-પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર (સરકારી માન્ય અધિકારી દ્વારા પ્રમાણિત)
દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામું
અરજદારના રેશનકાર્ડ ની નકલ
લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્ક ખાતાની પાસબુકની નકલ
લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ (જો ઉપલબ્ધ હોય તો)
અરજી પ્રક્રિયા અને સમય મર્યાદા:
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. અરજી મળ્યા બાદ સરેરાશ ૧૫ દિવસમાં તેનો નિકાલ કરવામાં આવે છે.
યોજના સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે, તમે નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરીનો સંપર્ક કરી શકો છો.
આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. લાયકાત ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો.....
આધાર કાર્ડ લૉક અને અનલૉક: આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવો, જાણો કેવી રીતે લૉક અને અનલૉક કરવું




















