Valsad: કારમાંથી 173.55 કિલો ચાંદી ઝડપાયું, કિંમત 1 કરોડથી વધારે
વલસાડ જિલ્લામાં કારમાંથી 173.55 કિલો ચાંદી ઝડપાયું છે. રાત્રે હાઈવે પર વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ સમયે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર રાજસ્થાન જઈ રહી હતી.
વલસાડ: વલસાડ જિલ્લામાં કારમાંથી 173.55 કિલો ચાંદી ઝડપાયું છે. રાત્રે હાઈવે પર વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ સમયે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર રાજસ્થાન જઈ રહી હતી. પોલીસને શંકા જતાં કારનો પીછો કરી તેને થોભાવી હતી. કારની તલાશી લેતા તેમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં છૂપાવીને રાખેલી 173.55 કિલો ચાંદી મળી આવી હતી. જેની કિંમત 1 કરોડ, 10 લાખથી વધુ થાય છે. ચાંદીનો આ જથ્થો રાજસ્થાનના ઉદયપુર લઈ જતાં હોવાનું ખુલ્યું છે. કારમાં સવાર બે વેપારી અને એક ડ્રાઈવરની પૂછપરછ કરાઈ હતી. તેમની પાસે બીલ મળી ન આવ્યા. પોલીસે ત્રણેયની અટકાયત કરી છે. હાલ તો તપાસ કરી રહી છે કે, ચાંદીનો આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવા જઈ રહ્યા હતા.
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે, ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થશે. લઘુત્તમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થશે.
આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.
માર્ચના શરૂઆતના 15 દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. દિલ્હીમાં સોમવારે 33.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે 1969 પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ 26 ફેબ્રુઆરી, 2006ના રોજ 34.1 અને 17 ફેબ્રુઆરી, 1993ના રોજ 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ભૂજમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ
ગુજરાતના ભૂજમાં 16 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમી ઝડપથી વધશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી 100 ટકા સુકુ રહ્યું છે જેના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મહિનો પૂર્ણ થતા જ પહેલા આ રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસમાં વરસાદ નહીં પડે તો ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે.
દેશના પર્વતીય વિસ્તારોમાં પણ ફેબ્રુઆરીમાં તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 10 થી 11 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે શિમલાનું મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્યથી આઠ ડિગ્રી વધારે હતું. આવી જ રીતે મસૂરીનું તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાનની ચાલ અસામાન્ય જોવા મળી રહી છે. બીજી તરફ વિશ્વ હવામાન સંગઠને સમગ્ર વિશ્વમાં તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. લા નીનાની અસર ઓછી થતાં વૈશ્વિક તાપમાનમાં વધારો શક્ય છે. જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણને કારણે હવામાનનું યોગ્ય અંદાજ કાઢવો મુશ્કેલ બનશે.