શોધખોળ કરો
નિસર્ગ વાવાઝોડું: ગુજરાતમાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. જોકે આ વાવાઝોડીની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા 6કલાક દરમિયાન 13લોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન પણજીના દક્ષિણ પશ્ચિમથી 340 કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી 630 કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 850 કિલોમીટરના અંતરે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં 1 નંબરનું સિગ્નલ લગાવવા માટે સૂચના આપી દીધેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂને પહોંચવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3-5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. સોમવાર એટલે આજથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 4 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 5 જૂનના રોજ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો





















