પંજાબમાં કોંગ્રેસની હારમાં મોટી ભૂમિકા ભજવનારા રાહુલની નજીકના નેતાને મોકલાયા ગુજરાત, જાણો વિગત
ગુજરાતમાં આવનારી ચૂંટણીના ઉમેદવારોમાં પણ યુવાનો વધુ જોવા મળશે. લોકોને સ્પર્શતા વિવિધ મુદ્દે આંદોલન ઉપર અમે વધુ ભાર મુકીશું.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 2022ના અંતમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાત લગાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસના ટોચના નેતા અત્યારથી જ ગુજરાતમાં આંટાફેરા કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની ટીમના સભ્યોનો ગુજરાત પ્રવાસ પણ શરૂ થઈ ગયો છે.
રાહુલ ગાંધીની અત્યંત નજીક મનાતા અને રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલ્લાવરુ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. રવિવારે મહુડી ખાતે ચાલી રહેલી યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં ક્રિષ્ના અલ્લાવરુએ માર્ગદર્શન આપ્યું હતું.
જો કે તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ક્રિષ્ના અલ્લાવરુએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંજાબમાં સત્તા હોવા છતાં કોંગ્રેસને નહીં જીતાડી શકનાકા ક્રિષ્ના અલ્લાવરુ ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાથી વંચિત કોંગ્રેસને કઈ રીતે જીતાડી શકશે એ સવાલ છે.
એબીપી અસ્મિતા સાથેની વાતમાં ક્રિષ્ના અલ્લવારુએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં યુથ કોંગ્રેસની મોટી અને મહત્વની ભૂમિકા રહેશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીના ઉમેદવારોમાં પણ યુવાનો વધુ જોવા મળશે. લોકોને સ્પર્શતા વિવિધ મુદ્દે આંદોલન ઉપર અમે વધુ ભાર મુકીશું. સોશ્યલ મીડિયા અને મીડિયા મેનેજમેન્ટ જેવી બાબતોમાં પણ યુથ કોંગ્રેસની મહત્તમ જવાબદારી રહેશે.
પંજાબના પરિણામ બાદ ક્રિષ્ના અલ્લવારુ પર ઘણા આક્ષેપ થઈ રહ્યા છે. આ બાબતે પણ તેમણે નિખાલસતાથી વાત કરી. પોતાના પર થયેલા આક્ષેપો અંગે ક્રિષ્ના આલ્લવારુએ કહ્યું કે, પંજાબના પરિણામ અમારા માટે નિરાશાજનક છે. હું પંજાબની સ્ક્રીનીંગ કમિટીમાં હતો અને કેટલીક ટિકિટોની વહેચણીમાં ભૂલ થઈ છે પણ કોઈ પણ ચૂંટણીમાં 100 ટકા ટિકિટ વહેચણી યોગ્ય નથી હોતી.
નોંધનીય છે કે, પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ હાજરી આપી હતી. આ સિવાય બેઠકમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, હરીશ રાવત, રાજીવ શુક્લા, પ્રમોદ તિવારી જેવા ઘણા નેતાઓ હાજર હતા. અધીર રંજન ચૌધરી, દેવેન્દ્ર યાદવ આનંદ શર્મા, દિગ્વિજય સિંહ, અજય માકન અને ગુલામ નબી આઝાદે પણ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે સંગઠનના હિતમાં જે પણ થઈ શકે છે તે કરીશ, પરંતુ મોટાભાગના સભ્યોએ કહ્યું કે સોનિયા ગાંધીએ જ અધ્યક્ષ તરીકે રહેવું જોઈએ.