ABP News C Voter Survey : રાજસ્થાનના CM તરીકે આ નામ પર લોકોએ મારી મહોર?
આ યાદીમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે બીજા નંબર પર છે. સર્વેના પરિણામમાં સામે આવેલી વિગતો પર એક નજર.
Rajasthan Elections 2023: રાજસ્થાનમાં ચૂંંટણીના ભણકારા વાગવા લાગ્યા છે. હવે સૌથી મોટો અને ચર્ચાતો સવાલ એ છે કે, રાજસ્થાનમાં સીએમ કોણ બનશે કે સીએમ ચહેરા અંગે જનતાનો શું અભિપ્રાય છે? રાજસ્થાનમાં સી-વોટર સાથે કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં જ્યારે ABPએ લોકોને આ સવાલ પૂછ્યો હતો, ત્યારે જે આંકડા સામે આવ્યા તે દર્શાવે છે કે, મોટાભાગના લોકો અશોક ગેહલોતને ફરીથી સીએમ તરીકે જોવા માંગે છે.
જો કે આ યાદીમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે બીજા નંબર પર છે. સર્વેના પરિણામમાં સામે આવેલી વિગતો પર એક નજર.
2018માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ સત્તામાં આવેલા સીએમ અશોક ગેહલોત તેમના જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કામોને ગણાવી રહ્યાં છે. તેઓ 2023ના મહાસંગ્રામમાં કોઈ કસર છોડવા માંગતા નથી. જ્યારે આ દરમિયાન, એબીપીના ઓપિનિયન પોલના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, એવા ઘણા લોકો છે જેઓ સીએમ ગેહલોતના કામને પસંદ કરી રહ્યા છે. સર્વેમાં 35 ટકા લોકોનું માનવું છે કે, તેઓ અશોક ગેહલોતને સીએમ તરીકે પસંદ કરે છે. જ્યારે 25 ટકા લોકો વસુંધરા રાજેને સીએમ તરીકે જોવા માંગે છે.
ગજેન્દ્ર શેખાવત અને રાજ્યવર્ધન રાઠોડ પણ રેસમાં?
કોંગ્રેસ કેમ્પના અન્ય એક નેતા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને 19 ટકા લોકોએ તેમની પસંદ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતને માત્ર 9 ટકા લોકોએ તેમની પસંદ હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસ તેમના પર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહી છે. આ ત્રણ નેતાઓ સિવાય જયપુર ગ્રામીણના ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધન રાઠોડને સર્વેમાં પાંચ ટકા વોટ મળ્યા છે. જ્યારે સાત ટકા લોકોને સીએમ તરીકે આ તમામમાંથી કોઈ પણ પસંદ નથી.
સી વોટરે એબીપી ન્યૂઝ માટે રાજસ્થાન ચૂંટણી માટે પ્રથમ સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજસ્થાનના રાજકારણના વર્તમાન મુદ્દાઓ પર પણ ત્વરીત સર્વે પણ કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર 885 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઈ સુધી કરવામાં આવ્યો છે. તેમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.