Agnipath Scheme: અગ્નિપથ સ્કીમને લઇનો વિરોધની વચ્ચે એરફોર્સમાં ભરતી પ્રક્રિયા શરૂ, જાણો શું છે સંપૂર્ણ પ્રોસેસ
ભારતીય વાયુસેના અનુસાર, જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે.
Agnipath Scheme Recruitment: અગ્નિપથ પરના વિરોધ વચ્ચે, આ યોજના પ્રમાણે સેનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી એરફોર્સમાં પસંદગી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે 24 જૂનથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુવાનો આજથી અગ્નિપથ હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સમગ્ર પ્રક્રિયા 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પસંદ કરાયેલા ઉમેદવારોને અગ્નિવીર તરીકે એરફોર્સમાં કામ કરવાની તક મળશે.
30મી ડિસેમ્બરથી તાલીમ શરૂ થશે
ભારતીય વાયુસેના અનુસાર, જેઓ અગ્નિપથ યોજના હેઠળ નોંધણી કરાવશે તેમની 24 જુલાઈથી 31 જુલાઈ સુધી ઓનલાઈન પરીક્ષા થશે. આ પછી 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી શારીરિક ફિટનેસ ટેસ્ટ થશે. 29 ઓગસ્ટથી 8 નવેમ્બર દરમિયાન મેડિકલ તપાસ થશે. આ તમામ પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારોની યાદી 1લી ડિસેમ્બર 2022ના રોજ જારી કરવામાં આવશે. આ સાથે તેમની ટ્રેનિંગ પણ 30 ડિસેમ્બરથી શરૂ થશે.
યોજનાને લઈને વિરોધ
જણાવી દઈએ કે, કોરોનાના કારણે ત્રણેય સેનામાં ભરતી પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી અટકી હતી. જે બાદ સરકાર અને સેના દ્વારા અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભરતી થયેલા 75 ટકા સૈનિકોએ ચાર વર્ષ પછી નિવૃત્ત થવું પડશે. માત્ર ચાર વર્ષ માટે સેનામાં પસંદગીને લઈને દેશભરમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. તમામ રાજ્યોમાં વિદ્યાર્થીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષો પણ સરકારની યોજનાનો સતત વિરોધ કરી રહ્યા છે. જો કે, સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં અને આ હેઠળ વધુ ભરતી કરવામાં આવશે.
અગ્નિવીર માટે આ સુવિધાઓ
ભારતીય વાયુસેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને નિયમિત સૈનિકોની જેમ જ ભથ્થું મળશે. તમામ અગ્નિવીરોને વર્ષમાં 30 દિવસની રજા મળશે. દરેક અગ્નિવીરને 48 લાખનું વીમા કવચ મળશે. આ ઉપરાંત ફરજ દરમિયાન વીરગતિ થનાર અગ્નિવીરના પરિવારને લગભગ એક કરોડની સહાય આપવામાં આવશે. અગ્નિવીરોને કેન્ટીનની સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ચાર વર્ષ પછી નિવૃત્ત થનારા અગ્નિવીરોને ઘણી સરકારી સેવાઓમાં આરક્ષણ અને પસંદગી આપવાનું પણ કહેવામાં આવ્યું છે.