Rajya Sabha: રાજ્યસભામાં આજે રજૂ કરાશે દિલ્હી સર્વિસ બિલ, AAP-કોગ્રેસે જાહેર કર્યો વ્હિપ, લોકસભાની મળી છે મંજૂરી
હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યોને વ્હીપ જાહેર કર્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યોને વ્હીપ જાહેર કર્યો છે. જેમાં તેમને 7 અને 8 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વ્હીપમાં જણાવાયું છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને 7 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2023 સુધી ગૃહમાં હાજર રહેવા અને પાર્ટીના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતિ કરવામાં આવે છે. કોંગ્રેસે પણ સોમવારે તેના રાજ્યસભા સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે 4 ઓગસ્ટે વ્હીપ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને સોમવારે (7 ઓગસ્ટ, 2023) સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થાય ત્યાં સુધી ગૃહમાં હાજર રહેવા અને પક્ષના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતી કરવામાં આવે છે.
#WATCH | AAP Minister Gopal Rai speaks on Delhi Ordinance Bill, says, "Central govt is trying to forcefully take the rights of Delhi. All the opposition parties will together protest against this bill tomorrow." pic.twitter.com/xNykV672mD
— ANI (@ANI) August 6, 2023
રવિવારે રાજ્યસભામાં પાર્ટીના સાંસદોને એક રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યું હતું. દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ પરના વટહુકમને બદલવા માટેનું બિલ 3 ઓગસ્ટના રોજ વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે લોકસભામાં ધ્વનિ મતથી પાસ કરવામાં આવ્યું હતું.
ચર્ચા બાદ સાંજે મતદાન કરાશે
એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા સમાપ્ત થયા પછી સોમવારે સાંજે જ બિલને પસાર કરવા માટે મતદાન કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવી રાજ્યસભામાં વિપક્ષ વતી ચર્ચા શરૂ કરી શકે છે. અભિષેક મનુ સિંઘવીએ પણ વહીવટી સેવાઓ પર નિયંત્રણ સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચ સમક્ષ દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
દિલ્હીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે સરકાર
આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. AAP મંત્રી ગોપાલ રાયે કહ્યું કે કેન્દ્ર સરકાર બળપૂર્વક દિલ્હીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. આવતીકાલે તમામ વિરોધ પક્ષો સાથે મળીને આ બિલનો વિરોધ કરશે.
કેજરીવાલ કામ કરવામાં અસમર્થ
બીજેપી સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કહ્યું કે જ્યારે સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં ઉભા હતા, ત્યારે તેઓ જાણતા હતા કે દિલ્હીને રાજ્યનો નહીં પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાઓ અલગ અલગ હોય છે. તે જનતાને બતાવવા માંગે છે કે તે કામ કરવામાં અસમર્થ છે, આ વાત ગૃહમંત્રી અમિત શાહે પણ લોકસભામાં કરી હતી.
આ બિલનો વિરોધ કરવો ખોટો
બીજી તરફ કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે આ બિલ લોકસભામાં પસાર થશે તે નિશ્ચિત હતું, કારણ કે ત્યાં સરકાર પાસે બહુમતી છે. લોકસભાની જેમ રાજ્યસભામાં પણ અન્ય કેટલાક પક્ષો આ બિલને સમર્થન આપે તો પાસ થઈ જશે.મારા મતે આ બિલનો વિરોધ કરવો ખોટું છે.
બિલ પસાર થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ફટકો
જો કે રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે આ પહેલા બસપાએ દિલ્હી સર્વિસ બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી પરંતુ બસપા લોકસભા અને રાજ્યસભામાં મતદાન દરમિયાન બોયકોટ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂક્યું છે.