NIAના દરોડા પછી PFI પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે જારી કર્યો આદેશ
આ સાથે જ આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે. અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા.
PFI Ban: ગૃહ મંત્રાલય તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈને ગેરકાયદેસર સંગઠન જાહેર કરીને તેને આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ સાથે જ આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે. અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા, આ દરોડા દરમિયાન આતંકવાદી સંબંધોના આરોપો સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા હતા.
ઓપરેશન ઓક્ટોપસ હાથ ધરવામાં આવ્યું હતું
દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત પહેલા દેશના કેટલાક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક એક સાથે 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશનના બીજા રાઉન્ડ હેઠળ, 27 સપ્ટેમ્બરના રોજ, દેશના 8 રાજ્યોમાં એજન્સીઓના ઇનપુટ્સ પર, એટીએસ અને રાજ્ય પોલીસે PFIના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.
મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આસામમાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા મહા દરોડામાં 170 થી વધુ PFI શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. આસામ અને મહારાષ્ટ્રમાં 25થી વધુ લોકોની, યુપીમાં 57, દિલ્હીમાં 30, મધ્યપ્રદેશમાં 21, ગુજરાતમાં 10 અને કર્ણાટકમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા હાથમાં આવ્યા.
Central Government declares PFI (Popular Front of India) and its associates or affiliates or fronts as an unlawful association with immediate effect, for a period of five years. pic.twitter.com/ZVuDcBw8EL
— ANI (@ANI) September 28, 2022
ગૃહ મંત્રાલયની નજર હતી
પીએફઆઈ સામેની કાર્યવાહી બાદથી ગૃહ મંત્રાલય આ મામલાની સતત દેખરેખ રાખી રહ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ દરોડા અંગે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં NIA DG અને NSA અજીત ડોભાલ સહિત તમામ મોટા અધિકારીઓ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્યારથી પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પીએફઆઈની કેડર, ફંડિંગ અને નેટવર્ક સંબંધિત અહેવાલો જોયા બાદ ગૃહ મંત્રાલયે આખરે પીએફઆઈને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું.