બિહારઃ નાલંદામાં CM નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક, સંવાદ યાત્રામાં ધડાકો થતાં ભાગદોડ મચી
નાલંદામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સંવાદ યાત્રામાં વિસ્ફોટની ઘટના બની હતી. કાર્યક્રમમાં અચાનક થયેલા વિસ્ફોટથી ગભરાટનો માહોલ સર્જાયો હતો.
નાલંદામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સંવાદ યાત્રામાં વિસ્ફોટની ઘટના બની હતી. કાર્યક્રમમાં અચાનક થયેલા વિસ્ફોટથી ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ બ્લાસ્ટ સીએમ નીતિશ કુમારથી માત્ર 15 ફૂટ દૂર જ થયો હતો. જો કે આ ઘટના બાદ પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
એક અહેવાલ પ્રમાણે નીતીશ કુમારના કાર્યક્રમમાં વિસ્ફોટના પ્રત્યક્ષદર્શીઓએ માહિતી આપી છે કે, આરોપીઓએ કોઈ વિસ્ફોટક સામગ્રીમાં દિવાસળી ચાંપીને આ વિસ્ફોટ કર્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે આ વિસ્ફોટક પદાર્થને ફટાકડો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આરોપી યુવક પાસેથી ફટાકડા અને દિવાસળીઓ પણ મળી આવી છે. હાલ પોલીસ આ આરોપી સાથે પુછપરછ કરી રહી છે અને હુમલાનું કારણ જાણી રહી છે.
આ ઘટના વિશે એક વ્યક્તિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શરૂઆતમાં લોકો પાસેથી અરજીઓ લઈ રહ્યા હતા. ત્યારે એક સગીર જેની ઉંમર 18 વર્ષની આસપાસ છે, તે પોતાની સાથે ફટાકડા લઈને આવ્યો હતો. તેણે સીએમ આવતાની સાથે જ આ ફટાકડા ફેંકી દીધા હતા. ફટાકડા ફૂટતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી ફરી એક વખત મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી હતી.
અગાઉ પણ નીતિશ કુમારની સુરક્ષામાં ચૂકની ઘટના બનીઃ
થોડા દિવસો પહેલા પટનામાં પણ સીએમ નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. પટનાના બખ્તિયારપુરમાં એક યુવકે સીએમ નીતિશ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવક માનસિક બીમાર હોવાનું બહાર આવ્યું હતું. હવે નાલંદાની આ ઘટના દરમિયાન પણ સીએમ નીતિશ કુમારની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. સ્પેશિયલ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરથી લઈને કોન્સ્ટેબલો પણ સ્થળ પર તૈનાત હતા છતાં પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક યુવકે આ વિસ્ફોટ (ફટાકડા) કર્યો તેથી મુખ્યમંત્રીની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.