Biparjoy : બિપરજોય આટલુ ખતરનાક કેમ? 1982 બાદ નથી આવ્યું આવુ ભયાનક સમુદ્રી વાવાઝોડું
આખરે આ ચક્રવાત આટલુ શક્તિશાળી કેમ, ક્યારે અને કઈ સ્થિતિમાં બન્યું તેની વિગતવાર સમજણ અહીં જણાવવા જઈ રહ્યાં છીએ.
Why Cyclone Biperjoy is so Dangerous?: અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'બિપરજોય'એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. તે હાલમાં 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. પરંતુ જ્યારે તે ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ જખાઉ કિનારે અથડાશે ત્યારે તેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હશે.
આ ચક્રવાતના કારણે ગુજરાતમાં ભારે તબાહી સર્જાવાની સંભાવના છે. હાલમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી છે. પરંતુ આખરે આ ચક્રવાત આટલુ શક્તિશાળી કેમ, ક્યારે અને કઈ સ્થિતિમાં બન્યું તેની વિગતવાર સમજણ અહીં જણાવવા જઈ રહ્યાં છીએ.
'બિપરજોય' દ્વારકાથી દૂર ગયું પણ...
હવે નવી અપડેટ એ છે કે વાવાઝોડાની ગતિ થોડી બદલાઈ ગઈ છે અને હવે તે દ્વારકાથી દૂર ગયું છે. જેના કારણે હવે એવી ધારણા છે કે તે દ્વારકાને ઓછું નુકસાન કરશે.
આટલું ભયંકર તોફાન 31 વર્ષમાં આવ્યું નથી
નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં આવેલું તોફાન 'બિપરજોય' આ વર્ષનું પ્રથમ અરબી ચક્રવાત છે. જે ખૂબ જ શક્તિશાળી બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, આટલું ગંભીર ચક્રવાત છેલ્લા 31 વર્ષમાં ક્યારેય નથી આવ્યું.
નબળા પડ્યા પછી પણ ખતરનાક બન્યું
ખાસ વાત એ છે કે, શરૂઆતમાં આ વાવાઝોડું નબળું પડ્યું હતું પરંતુ ત્યારપછી તેણે ફરી એકવાર જોર પકડ્યું છે. જાહેર છે કે, 1982 પછી દરિયામાં એવું કોઈ વાવાઝોડું સમુદ્રમાં આવ્યું નથી કે જે આટલા લાંબા સમય સુધી અરબી સમુદ્રમાં બની રહ્યું હોય અને તેમ છતાંયે એટલું શક્તિશાળી બન્યું હોય.
વાવાઝોડાએ દરિયામાં બે તબક્કા પૂરા કર્યા
નોંધપાત્ર રીતે, આ ચક્રવાતની ચેતવણી 6 જૂનથી પ્રથમ વખત જારી કરવામાં આવી હતી અને તેની અસર 16 જૂન સુધી રહેવાની સંભાવના છે. તે અધવચ્ચે જરા નબળું પણ પડ્યું હતું. 'બિપરજોય'ની ઝડપ 6-7 જૂનના રોજ 55 કિમી પ્રતિ કલાક હતી. આ તેનો પહેલો તબક્કો હતો. જ્યારે તેનો બીજો તબક્કો 9-10 જૂનની વચ્ચે હતો જ્યારે તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ પહોંચી હતી. હવે તે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ભયાનક બનીને આગળ વધી રહ્યું છે
દરિયામાં 9 દિવસથી છે તોફાન
9 દિવસથી સુધી તે સમુદ્રમાં રહીને પુરી તીવ્રતા સાથે મોટું બન્યું અને હવે તે ખૂબ જ શક્તિશાળી બની ગયું છે. તેના કારણે ભારે વિનાશ સર્જાવાની આશંકા છે.
વાવાઝોડું દક્ષિણપશ્ચિમ જાખાઉ તરફ આગળ વધ્યું
તાજેતરની સ્થિતિ વિશે વાત કરીએ તો હવે ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ જાખાઉ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે અને તે હાલમાં કરાચીથી 380 કિમી દક્ષિણમાં સ્થિત છે.