By Poll Results 2022 Live: આજે એક લોકસભા અને છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની આજે મતગણતરી
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામોની સાથે એક લોકસભા સીટ અને છ વિધાનસભા સીટો માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે
By Poll Election Results 2022 Live: ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામોની સાથે એક લોકસભા સીટ અને છ વિધાનસભા સીટો માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ મૈનપુરી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત પાંચ રાજ્યોની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા બેઠકો ઉત્તર પ્રદેશમાં રામપુર અને ખતૌલી, ઓડિશામાં પદમપુર, રાજસ્થાનમાં સરદારશહર, બિહારની કુઢની અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર છે.
ઓક્ટોબરમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનને કારણે મૈનપુરી સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. રામપુર સદર બેઠક સપા નેતા આઝમ ખાનને ગેરલાયક ઠેરવવાને કારણે ખાલી પડી હતી. મુલાયમ સિંહ યાદવની મોટી વહુ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી ઉમેદવાર છે જ્યારે મુલાયમના ભાઈ શિવપાલ સિંહ યાદવના પૂર્વ વિશ્વાસુ રઘુરાજ સિંહ શાક્ય આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (BSP)એ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આવી સ્થિતિમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી અને તેના સહયોગી રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે સીધો મુકાબલો છે. રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને એપ્રિલ 2019 માં ભડકાઉ ભાષણ માટે નોંધાયેલા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જેના પગલે તેમને સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ખતૌલીમાં ભાજપ રાજકુમારી સૈનીને મેદાનમાં ઉતારીને આ બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તે વિક્રમ સિંહ સૈનીની પત્ની છે, જેને 2013ના રમખાણોના કેસમાં જિલ્લા અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આરએલડીએ અહીંથી મદન ભૈયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
બીજેડીના ધારાસભ્ય બિજય રંજન સિંહ બરિહાના નિધનને કારણે ઓડિશાની પદમપુર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. પાર્ટીએ અહીંથી પેટાચૂંટણીમાં બિરહાની મોટી દીકરી બરશા સિંહ બરિહાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
બીજી તરફ, છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત કાંકેર જિલ્લામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત ભાનુપ્રતાપપુર સીટ પર પેટાચૂંટણી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ સિંહ મંધાવીના ગયા મહિને મૃત્યુ બાદ યોજાઈ રહી છે. કોંગ્રેસે દિવંગત ધારાસભ્યની પત્ની સાવિત્રી મંધાવીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે અહીંથી બ્રહ્માનંદ નેતામને મેદાનમાં ઉતાર્યા છે. જેડીયુએ બિહારની કુઢની બેઠક પરથી મનોજ સિંહ કુશવાહાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જેડીયુના સહયોગી આરજેડી ધારાસભ્ય અનિલ કુમાર સહનીને વિધાનસભા સભ્યપદ માટે અયોગ્ય ઠેરવ્યા બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.