અલાહાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો- પત્ની અને બાળકોની દેખભાળમાં સક્ષમ ના હોય તેવા મુસ્લિમને બીજા નિકાહ કરવાનો અધિકાર નહી
કોર્ટે ટિપ્પણી કરી હતી કે પત્નીની સંમતિ વિના ફરીથી નિકાહ કરવા એ પહેલી પત્ની સાથે ક્રૂરતા છે.
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે ઇસ્લામિક કાયદો મુસ્લિમ પુરુષને એક પત્ની હોવા છતાં ફરીથી નિકાહ કરવાનો અધિકાર આપે છે પરંતુ પ્રથમ પત્નીની ઈચ્છા વિરુદ્ધ સાથે રહેવા માટે દબાણ કરવા માટે કોર્ટમાંથી આદેશ મેળવવાનો તેને કોઈ અધિકાર નથી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે પત્નીની સંમતિ વિના ફરીથી નિકાહ કરવા એ પહેલી પત્ની સાથે ક્રૂરતા છે. જો કોર્ટ તેને પહેલી પત્નીની ઈચ્છા વિરુદ્ધ પતિ સાથે રહેવાની ફરજ પાડે તો તે મહિલાના સન્માનજનક જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન ગણાશે.
આ દરમિયાન કોર્ટે કુરાનની સુરા 4 આયત 3 ને ટાંકીને કહ્યું હતું કે જો કોઈ મુસ્લિમ તેની પત્ની અને બાળકોની યોગ્ય સંભાળ રાખી શકતો નથી તો તેને બીજા નિકાહ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હાઇકોર્ટે ફેમિલી કોર્ટ સંત કબીર નગર દ્ધારા પ્રથમ પત્ની હમીદુન્નિશા ઉર્ફ શફીકુંનિશાનાને પતિ સાથએ તેની મરજી વિરુદ્ધ રહેવાનો આદેશ આપવાનો ઇનકાર કરવાને યોગ્ય ઠેરવ્યુ હતું. કોર્ટના ચુકાદાને ઇસ્લામિક કાયદા વિરુદ્ધ માનતા રદ કરવાની માંગ કરતી પ્રથમ અપીલ ફગાવી દીધી હતી. આ ચુકાદો જસ્ટિસ એસપી કેસરવાની અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારની બેન્ચે અઝીઝુર્રહમાનની અપીલ પર આપ્યો હતો.
મુસ્લિમોએ પોતે પ્રથમ પત્ની હોવા છતાં બીજા નિકાહ ટાળવા જોઈએ
કોર્ટે કહ્યું કે જે સમાજમાં મહિલાઓનું સન્માન ન થાય તે સમાજ સંસ્કારી સમાજ ન કહી શકાય. જે દેશ સ્ત્રીઓનું સન્માન કરે તે જ સભ્ય દેશ કહી શકાય. કોર્ટે કહ્યું કે મુસ્લિમોએ પોતે એક પત્ની હોવા છતાં બીજા નિકાહ કરવાનું ટાળવું જોઈએ. કોર્ટે કહ્યું કે એક પત્ની સાથે ન્યાય ન કરનારા મુસ્લિમને બીજા નિકાહ કરવાની કુરાન પણ મંજૂરી આપતું નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણયોને ટાંકીને કહ્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. કલમ 14 બધાને સમાન અધિકાર આપે છે અને કલમ 15(2) લિંગ વગેરેના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે.
કોર્ટે કહ્યું કે કોઈપણ પર્સનલ લૉ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે પર્સનલ લોના નામે નાગરિકોને તેમના બંધારણીય મૂળભૂત અધિકારોથી વંચિત ન રાખી શકાય. જીવનના અધિકારમાં ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર સામેલ છે. જો કોઈ મુસ્લિમ પત્ની અને બાળકોની સંભાળ ન લઈ શકે તો તેને પહેલી પત્નીની ઈચ્છા વિરુદ્ધ બીજા નિકાહ કરવાનો કોઈ અધિકાર નથી. આ પહેલી પત્ની પ્રત્યે ક્રૂરતા છે. કોર્ટ પણ પહેલી પત્નીને તેના પતિ સાથે રહેવા માટે દબાણ કરી શકે નહીં.
શું છે સમગ્ર ઘટના
અઝીઝુર રહેમાન અને હમીદુન્નિશાના નિકાહ 12 મે 1999ના રોજ થયા હતા. પત્ની તેના પિતાનું એકમાત્ર હયાત સંતાન છે. તેના પિતાએ તેની સ્થાવર મિલકત તેમની પુત્રીને દાનમાં આપી હતી. તે તેના 93 વર્ષીય પિતા સાથે તેના ત્રણ બાળકોની સંભાળ રાખે છે. તેણીને જાણ કર્યા વિના પતિએ ફરીથી નિકાહ કરી લીધા અને તેઓને સંતાનો છે. પ્રથમ પત્નીને સાથે રાખવા પતિએ ફેલિમી કોર્ટમાં કેસ કર્યો હતો. ફેમિલી કોર્ટે પતિના તરફેણમાં આદેશ ન આપ્યો ન હતો જેના કારણે તેણે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.