UP: પ્રિયંકા ગાંધીએ કહ્યુ-પંચાયત ચૂંટણીમાં થયું ઉમેદવારોનું અપહરણ, લોકતંત્રની હત્યા કરી રહી છે સરકાર
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં બંધારણને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અમે અહી લોકતંત્ર અને અહીની જનતાના પક્ષમાં ઉભા રહેવા માટે આવ્યા છીએ.
લખનઉઃ કોગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કર્યા હતા. પંચાયત ચૂંટણી દરમિયાન કથિત ગરબડને લઇને તેઓએ યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં બંધારણને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અમે અહી લોકતંત્ર અને અહીની જનતાના પક્ષમાં ઉભા રહેવા માટે આવ્યા છીએ.
પ્રિયંકાએ સવાલ કર્યો કે આ કેવો વિકાસવાદ છે. કોરોનાની બીજી લહેરમાં પંચાયત ચૂંટણી કરાવવામાં આવ્યા. એ સમયે અનેક લોકોને કોરોના થયો હતો. તે સિવાય અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો પરંતુ તેમ છતાં પંચાયત ચૂંટણી કરાવવામાં આવી. તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયત અધ્યક્ષ અને બ્લોક પ્રમુખ ચૂંટણીમાં હિંસા કરાવામાં આવી. પોલીસ અને પ્રશાસને ઉમેદવારોનું અપહરણ કર્યુ છે. ઉમેદવારીપત્રક ભરવા જઇ રહેલા ઉમેદવારોને પોલીસ ઉઠાવીને લઇ ગઇ હતી. ઉમેદવારીપત્રક ફાડી દેવામાં આવ્યા. એટલે સુધી કે મહિલા ઉમેદવારોને મારવામાં આવી હતી. વહીવટીતંત્ર મત માટે લોકોને ધમકી આપતું રહ્યું. યોગી સરકાર લોકતંત્રની હત્યા માટે પોલીસ પ્રશાસન સહિત તમામનો ઉપયોગ કરી રહી છે.
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી ત્રણ દિવસના લખનઉ પ્રવાસ પર પહોંચ્યા હતા. લખનઉ પહોંચેલા પ્રિયંકા ગાંધી થોડા કલાક મૌન ધરણા પર બેઠા હતા. હજરતગંજ સ્થિત ગાંધીજીની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસ પહોંચી બેઠક કરવાના હતા પરંતુ તેઓ મૌન ધરણા પર બેસી ગયા હતા. ધરણા પૂર્ણ થયા બાદ તેમણે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. કોગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, પંચાયત ચૂંટણીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ અને બ્લોક પ્રમુખની ખુરશી છીનવવા માટે સત્તાધારી બીજેપીએ જે રીતે રણનીતિ અપનાવી છે, પંચાયત ચૂંટણીમાં જે હિંસા થઇ , મહિલાઓનું ચીરહરણ કરવામાં આવ્યું. તે સિવાય રાજ્યમાં વધતી મોંઘવારી, બેરોજગારી સહિત તમામ મુદ્દાઓને લઇને પ્રિયંકા ગાંધીએ મૌન સત્યાગ્રહ શરૂ કર્યો છે.