Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
મહેસાણા શહેરમાં રાત્રિ દરમિયાન રીક્ષા પાર્ક કરીને અંદર સૂઈ ગયેલા વ્યક્તિનું મોત થયું હતું

મહેસાણામાં ઠંડીમાં ઠુંઠવાઇ જતાં રિક્ષાચાલકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણામાં અયોધ્યાનગર સોસાયટી નજીક રીક્ષામાંથી મૃતદેહ મળ્યો હતો. ઠંડીના કારણે રીક્ષા ચાલકનું મોત થયાનું અનુમાન છે. રાત્રિ દરમિયાન રીક્ષા પાર્ક કરીને સૂઈ ગયા હતા. પરમાર દીપક ભાઈ નરસિંહભાઈ નામના રીક્ષા ચાલકનું મોત થયું હતું.
કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ જતા એકનું મોત થયું છે. મહેસાણા શહેરમાં રાત્રિ દરમિયાન રીક્ષા પાર્ક કરીને અંદર સૂઈ ગયેલા વ્યક્તિનું મોત થયું હતું. અયોધ્યાનગર સોસાયટી નજીક રિક્ષામાંથી એક વ્યક્તિનો મૃતેદહ મળ્યો હતો. તપાસ કરતા મૃતદેહ તેજસ્વી સોસાયટીમાં રહેતા દીપક પરમાર નામના વ્યક્તિનો હોવાનો ખુલાસો થયો હતો. જે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રિ દરમિયાન તેઓ રીક્ષા પાર્ક કરી અંદર સૂઈ ગયા હતા. ઠંડીના કારણે દીપક પરમારનું મોત થયાનું અનુમાન છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ કરી દીધી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો સતત ગગડતા હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બુધવારના 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું. તો અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 13.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. પરંતુ ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતાં. સતત બીજા દિવસે પણ દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાવવાના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. કચ્છ અને રાજકોટમાં હવામાન વિભાગે આજે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ઠંડીમાંથી કોઈ રાહત ન મળવાની આગાહી કરી છે. કચ્છ સહિત ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજકોટમાં બુધવારે સવારથી જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ધ્રુજી ઉઠ્યા હતાં. સતત ઠંડા પવનોના કારણે રાજકોટનું લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડી 9.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે સામાન્ય કરતા 5.9 ડિગ્રી ઓછુ નોંધાયું હતું. ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, કંડલા એયરપોર્ટ પર 10.5 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને કેશોદમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો યથાવત રહેતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતાં.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. અંબાલાલભાઈ પટેલના મતે 22 ડિસેમ્બરથી જ તો રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. મહેસાણા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તો લઘુતમ તાપમાનનો પારો 9થી 10 ડિગ્રી રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે. તો પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ જ્યારે સુરત અને વલસાડના ભાગોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યકત કર્યું છે. તો મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલના મતે જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફાર જોવા મળશે અને રાજ્યના અનેક ભાગોમાં માવઠુ પડવાની સંભાવના વ્યકત કરી હતી.





















