(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ માત્ર કેટલા મહિના સુધી નહીં લાગે ચેપ ? જાણો કોણે આપી માહિતી
એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની કોઈ મોટી આડ અસર હજી સુધી સામે આવી નથી.
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં પાછલા થોડા દિવસથી કોરોના બેકાબૂ બન્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં દેશમાં એક લાખથી વધારે નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ ત્રણ લાખ નજીક પહોંચવા આવી છે. દેશમાં કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રસી કેટલો સમય માટે કોરોનાથી રક્ષણ આપે છે તે સવાલ ખૂબ જ મહત્વનો છે. આ સંદર્ભમાં એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, રસી આઠથી ૧૦ મહિના માટે કોરોના સામે રક્ષણ આપે તેવી શક્યતા છે.
એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની કોઈ મોટી આડ અસર હજી સુધી સામે આવી નથી. દેશમાં કોરોનાની રસીઓ કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતા અંગે તેમણે કહ્યું કે, આપણે બંને રસીઓ જોઈએ તો તે એકસમાન એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે અને ખૂબ જ મજબૂત છે. આપણે આપણી પાસે ઉપલબ્ધ રસી લગાવવી જોઈએ, કારણ કે અસરકારક્તા અને લાંબા સમય સુધી સલામતીના સંદર્ભમાં બંને રસીઓ એકમાનરૂપે અસરકારક છે.
તેમણે ઉમેર્યું કે, દેશમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાનું કારણ એ છે કે લોકોને એમ લાગવા માંડયું કે, કોરોના મહામારી ખતમ થઈ ગઈ છે. આથી તેઓ કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન નથી કરી રહ્યા. કોરોનાના કેસમાં અચાનક ઊછાળાના અનેક કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે કોરોનાના સંદર્ભમાં લોકોનું વલણ બદલાઈ ગયું છે. તેમને લાગે છે કે કોરોના વાઈરસ ખતમ થઈ ગયો છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી.કે. પૌલે જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણની શ્રેણી અટકાવવી પડશે અને તેના માટે રસી જ એકમાત્ર સાધન છે. આ સિવાય નિરિક્ષણ અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન પણ જરૂરી છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી શનિવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,55,284 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,07,332 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,88,394 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,558 પર પહોંચ્યો છે. દેશમાં 4 કરોડ 20 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે