કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી
હાલની સ્થિતિએ મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના સાવ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.
Coronavirus New Variant: હાલની સ્થિતિએ મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના સાવ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોવિડ સંબંધિત ઘણા પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મળશે તેવી આશા વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે કે, નોવેલ કોરોના વાયરસનો એક નવો મ્યુટન્ટ જોવા મળ્યો છે જે XE તરીકે ઓળખાય છે. આ નવો વેરિયન્ટ ઓમિક્રોનના BA.2 પ્રકારમાંથી આવ્યો હોઈ શકે છે. આ નવો વેરિયન્ટ ઓમિક્રોનની સરખામણીમાં, લગભગ દસ ટકા વધુ ફેલાય છે.
હાલ કોરોનાના કેસ ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે ફરીથી WHOએ કહ્યું છે કે, XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા વધુ સંક્રમિત કરશે. ઓમિક્રોનના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી કોરોનાનો સૌથી વધુ ચેપી વેરિયન્ટ માનવામાં આવી રહ્યો હતો.
XE વેરિઅન્ટનું મૂળઃ
નવો વેરિઅન્ટ XE, ઓમિક્રોનના બે પ્રકાર BA.1 અને BA.2નો મ્યુટન્ટ હાઇબ્રિડ વેરિયન્ટ છે. અત્યાર સુધીમાં આ હાઇબ્રિડ મ્યુટન્ટ વેરિઅન્ટના દુનિયાભરમાં થોડા જ કેસ નોંધાયા છે. WHOએ આ અઠવાડિયાની શરુઆતમાં કહેવામાં આવ્યું હતું કે, આ નવો વેરિયન્ટ પહેલીવાર 19 જાન્યુઆરીના રોજ બ્રિટેનમાંથી મળ્યો હતો. અને અત્યાર સુધીમાં 600થી ઓછા કેસો નોંધાયા છે.
ઉલ્લેખનિય છે કે, હાલ જોવા મળેલા XE વેરિયન્ટ અંગે WHOએ કહ્યું છે કે, “પ્રારંભિક અનુમાનના આધારે, અમે કહી શકીએ છીએ કે BA.2 ની તુલનામાં XE વેરિયન્ટ 10 ટકા વધુ ચેપ હોવાની સંભાવના છે, જો કે, આ વેરિયન્ટ અંગે વધુ સંશોધનની જરૂર છે.” XE મ્યુટન્ટમાં ગંભીરતા અને ટ્રાન્સમિશન સહિતની લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત જોવામાં ન આવે ત્યાં સુધી, આ નવા મ્યુટન્ટને ઓમિક્રોનનો જ એક ભાગ ગણવામાં આવશે.