ભારતમાં આ રાજ્યમાં શાળા-કોલેજો 17 જૂન સુધી બંધ રાખવાની કરી દેવાઈ જાહેરાત, જાણો બીજી સેવાઓ ક્યાં સુધી રહેશે બંધ
દેશમાં કોરોના વાયરસના કહેરને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જે 14 એપ્રિલે મધરાતે પૂરું થાય છે.
ભુવનેશ્વરઃ દેશમાં કોરોના વાયરસના કહેરને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જે 14 એપ્રિલે મધરાતે પૂરું થાય છે. પરંતુ આ મર્યાદા પૂરી થાય તે પહેલા જ ઓડિશાએ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યુ છે. લોકડાઉન વધારવાનો ફેંસલો કર્યો હોય તેવું પ્રથમ રાજય બની ગયુ છે.
કેબિનેટ મીટિંગ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, રાજ્યમાં 17 જૂન સુધી તમામ શાળા-કોલેજો બંધ રહેશે. હું ભારત સરકારને 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની વિનંતી કરીશ. આ ઉપરાંત કેન્દ્ર સરકારને 30 એપ્રિલ સુધી રેલવે અને એરલાઇન સેવા શરૂ ન કરવાની વિનંતી પણ કરવામાં આવશે.
ખેતી, પશુપાલન,મનરેગા જેવી સેવાઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ચાલુ રાખવામાં આવશે. પહેલાની જેમ જ જીવન જરૂરી વસ્તુઓના પરિવહનમાં કોઈ સમસ્યા નહીં થાય.
પટનાયકે કહ્યું કે, મહત્વપૂર્ણ મોડ પર આપણે લોકોના જીવ બચાવવા અને આર્થિક ગતિવિધિ પાટા પર લાવવા વચ્ચે ફેંસલો લેવાનો હતો. આજે કેબિનેટે ફેંસલો કર્યો કે લોકોના જીવ બચાવવા હાલના સમયની સૌથી મોટી પ્રાથમિકતા છે. આ કારણે આપણે 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાનો ફેંસલો લીધો છે. અમે કોરોના ટેસ્ટ અને ટ્રીટમેન્ટ સુવિધાઓને વધારવામાં કોઈ કસર નહીં છોડીએ. અમે રાજ્યમાં એક લાખ ટેસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ઓડિશામાં કોરોનાના 42 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે