આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Government job benefits for disabled: હાઈકોર્ટના આદેશ બાદ સરકારે બેકલોગ વેકેન્સી ભરવાની પ્રક્રિયા શરૂ કરી.
Government jobs for differently-abled: દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે દિવ્યાંગો માટેની 21114 જગ્યાઓ ભરવા માટે વિશેષ ભરતી ડ્રાઇવ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના ચીફ સેક્રેટરીએ હાઈકોર્ટ સમક્ષ આ અંગે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, સરકાર અને અન્ય વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઇવ થશે. આ ભરતી ડ્રાઇવમાં બેકલોગ વેકેન્સી પણ ભરવામાં આવશે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા ટાઇમટેબલ અનુસાર, 31 ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે જાણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઓગસ્ટ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
જોકે, જો પ્રક્રિયામાં વિલંબ થાય તો સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એડવોકેટ જનરલે કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે એડવોકેટ જનરલને તાકીદ કરી કે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે. દિવ્યાંગો માટેની વિશેષ ભરતી ડ્રાઇવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરાશે તેવી પણ કોર્ટને ખાતરી આપવામાં આવી છે.
ચીફ સેક્રેટરીના સોગંદનામાંની નોંધ લઈને કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. આ નિર્ણયથી દિવ્યાંગોમાં ખુશીનો માહોલ છે.
આરોગ્ય વિભાગમાં મોટી ભરતી
રાજ્યના આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતીની તક ઉભી થઈ છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ, આરોગ્ય વિભાગમાં કુલ 2000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં મુખ્યત્વે તબીબી અધિકારી વર્ગ-2ની 1506 જગ્યાઓ, જનરલ સર્જનની 200 જગ્યાઓ, ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ અને વિમા તબીબી અધિકારીની 147 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટેની લેખિત પરીક્ષા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં યોજવામાં આવશે. ઉમેદવારોએ આ માટે નિયત તારીખમાં અરજી કરવાની રહેશે. આ ભરતીથી રાજ્યના યુવાનોને રોજગારી મળશે અને આરોગ્ય વિભાગને મજબૂત બનાવવામાં મદદ મળશે.
સરકારી મેડિકલ કૉલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-1ની ઇમ્યુનો હિમેટોલૉજિસ્ટની 01, કાર્ડિયોલૉજિસ્ટની 06, મેડિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલૉજિસ્ટની 01 અને સી.ટી. સર્જરીની 03 મળીને કુલ 11 જગ્યાઓ માટે પણ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત DM/MD/DNB, M.CH/DNB, DM/DNB છે.
આ પણ વાંચોઃ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા