Coronavirusનાં સંકટ વચ્ચે કેજરીવાલ અને ગંભીર વચ્ચે ટ્વિટર વૉર, જાણો વિગતે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભાજપના સાંસદ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. દિલ્હીમાં કોવિડ-19થી સંક્રમિતોની સંખ્યા વધીને 503 થઈ ગઈ છે,
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભાજપના સાંસદ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. દિલ્હીમાં કોવિડ-19થી સંક્રમિતોની સંખ્યા વધીને 503 થઈ ગઈ છે, જ્યારે 7 લોકોના મોત થયા છે.
ગૌતમ ગંભીરે તેના ટ્વિટમાં લખ્યું, સીએમ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ફંડની જરૂર છે. મેં પહેલા સાંસદ ભંડોળમાંથી 50 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ હજુ સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. માસૂમ લોકોને પરેશાની ન થાય તે માટે બીજા 50 લાખ રૂપિયા આપી રહ્યો છું. એક કરોડ રૂપિયાથી માસ્ક અને પીપીઈ કિટની જરૂરિયાતો પૂરી થશે.
ગંભીરના આ ટ્વિટ પર મુખ્યમંત્રી કેજરીવાલે જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, ગૌતમજી, તમારા પ્રસ્તાવ માટે ધન્યવાદ, સમસ્યા પૈસાની નહીં પરંતુ પીપીઈ કિટની ઉપલબ્ધતાની છે. જો તમે તાત્કાલિક ક્યાંયથી પીપીઈ કિટ અપાવવામાં અમારી મદદ કરશો તો અમે તમારા આભારી થઈશું. દિલ્હી સરકાર તેને ખરીદી લેશે. ધન્યવાદ.
ભારતમાં કોરોના વાયરસને કહેર અટકી નથી રહ્યો.દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા પ્રમાણે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 4000ને પાર કરી ગઈ છે.