Court Action on Railways: ટ્રેનમાં નહોતા ચાલતા એસી અને પંખા, કોર્ટે રેલવેને ફટકાર્યો 15 હજારનો દંડ
Fine on Railways: કોર્ટે બેદરકારી બદલ રેલવેને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Fine on Railways: કોર્ટે બેદરકારી બદલ રેલવેને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક મુસાફરે ફરિયાદ કરી હતી કે મુસાફરી દરમિયાન ગરીબ રથ ટ્રેનમાં એસી કે પંખા ચાલતા ન હતા. જેના કારણે ડબ્બામાં હવાની અવરજવર થઇ રહી નહોતી. ગૂંગળામણભર્યા વાતાવરણમાં મુસાફરી કરવાની અસુવિધા તેમણે સહન કરવી પડી હતી. આ કેસમાં કોર્ટે દક્ષિણ મધ્ય રેલવે વિરુદ્ધ ચુકાદો આપ્યો અને દંડ ફટકાર્યો હતો.
માહિતી આપ્યા બાદ પણ રાહત મળી નથી
TOIના અહેવાલ મુજબ, અરજદાર કેવીએસ અપ્પા રાવે આરોપ લગાવ્યો હતો કે તેમણે રેલ્વે અધિકારીઓને એસી અને પંખા કામ ન કરવા અંગે જાણ કરી હતી. વળતર માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો. પરંતુ, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેના પર જિલ્લા ગ્રાહક ફોરમે કહ્યું કે આ સ્પષ્ટપણે બેદરકારી અને સેવાઓના અભાવનો મામલો છે. દક્ષિણ મધ્ય રેલવે ઈલેક્ટ્રીક સમસ્યા હલ કરી શકી નથી. જેના કારણે મુસાફરોને અગવડતા પડી હતી. તેથી, રેલવેએ અરજદારને વળતર તરીકે 15,000 રૂપિયા ચૂકવવા જોઈએ.
રાવ તેમની પુત્રી સાથે મુસાફરી કરી રહ્યા હતા
અપ્પા રાવ 5 એપ્રિલ, 2023ના રોજ તેમની પુત્રી સાથે વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદની યાત્રાએ નીકળ્યા હતા. તેણે ગરીબ રથ ટ્રેનમાં બે સીટ બુક કરાવી હતી. રાવના જણાવ્યા અનુસાર, ટ્રેન સાંજે 8.40 વાગ્યે નીકળી હતી અને રાત્રિભોજન કર્યા પછી તે 10 વાગ્યે સૂઈ ગયા હતા. પરંતુ રાત્રે એસી અને પંખા બંધ થઈ ગયા હતા. જ્યારે તેમણે ટીટીઈને આ બાબતે જાણ કરી ત્યારે તેમણે ખાતરી આપી કે એલુરુ સ્ટેશન પર સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. પરંતુ ટ્રેન ત્યાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં. ત્યારે વિજયવાડા સ્ટેશન પર સવારે આ સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. ત્યાં સુધી તમામ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેમણે આરટીઆઈ પણ દાખલ કરી હતી
રાવે RTI પણ દાખલ કરી હતી. તેના દ્વારા તેમને ખબર પડી કે ટ્રેનના ડીઝલ જનરેટર કામ કરી રહ્યા નથી. જેથી એસી પ્લાન્ટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેમણે હૈદરાબાદની જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો અને દંડની માંગણી કરી હતી.