સીરમ ઇન્સ્ટિટ્યૂટને ઝાટકો, સરકારી પેનલે બાળકો પર Covovaxના ટ્રાયલને ન આપી મંજૂરી - સૂત્ર
સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓગસ્ટ, 2020માં અમેરિકાની રસી કંપની નોવાવેક્સ ઇંક સાથે લાઈસન્સ કરારની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી રસી બનાવતી કંપની પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની સરકારી પેનલે મોટો ઝાટકો આપ્યો છે. સરકારી પેનલે 2-17 વર્ષના બળકો પર કોવાવેક્સ રસીના બીજા અને ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી ન આપવાની ભલામણ કરી છે. પીટીઆઈના સૂત્રોએ આ જાણકારી આપી છે.
કોઈપણ દેશમાં કોવાવેક્સને મંજૂરી નથી મળી – સરકારી પેનલ
સીરમ ઇન્સ્ટિટ્યૂટે સોમવારે 2થી 18 વર્ષના 920 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI ને અરજી કરી હતી. પરંતુ સૂત્રો અનુસાર, DCGIની નિષ્ણાંતોની સમિતિએ એ કહીને ટ્રાયલને મંજૂરી ન આપી કે કોઈપણ દેશમાં કોવાવેક્સને મંજૂરી મળી નથી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓગસ્ટ, 2020માં અમેરિકાની રસી કંપની નોવાવેક્સ ઇંક સાથે લાઈસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના રસીને ભારતમાં કોવાવેક્સ નામ આપવામાં આવ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં દેશમાં કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરે છે. કોવાવેક્સ તેના દ્વારા તૈયાર કરવામાં આવનારી બીજી રસી છે.
અદાર પૂનાવાલાએ શું દાવો કર્યો હતો?
સોવાવેક્સને લઈને કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું, “આ રસીમાં 18 વર્ષથી ઓછી ઉંમરની ભવિષ્યની આપણી પેઢીની સુરક્ષા કરવામાં શાનદાર ક્ષમતા છે. તેનું ટ્રાયલ હાલમાં ચાલી રહ્યું છે. અમને આશા છે કે કોવાવેક્સ આ વર્ષે સપ્ટેમ્બરમાં લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.”