Cyclone Michaung: વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું, ચેન્નાઈમાં 5નાં મોત, ભારે વરસાદથી એરપોર્ટ પર ભરાયા પાણી
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવાર, 5 ડિસેમ્બરના રોજ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે બાપ્તા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાશે.
Cyclone Michaung: ચક્રવાત મિચોંગના કારણે હાલમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાતે તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. અહીં ભારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીમાં ડૂબી ગયો છે. સાથે જ પલ્લીકરનાઈમાં પૂરના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અહીં અનેક ગાડીઓ વહી ગઈ હતી.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવાર, 5 ડિસેમ્બરના રોજ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે બાપ્તા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાશે.
ચેન્નાઈ જળબંબાકાર
વાવાઝોડાના કારણે તમિલનાડુમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌથી વધુ અસર ચેન્નઈમાં જોવા મળી રહી છે. અહીં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
ગ્રેટર ચેન્નાઈ પોલીસે કહ્યું કે, વાવાઝોડા મિચોંગના કારણે વિવિધ કારણોસર પાંચ લોકોના મોત થયા છે. જેમાં વૃક્ષ ધરાશાયી, વીજકરંટનો સમાવેશ થાય છે. વૈદ્યાનાથન ફ્લાયઓવર પાસેથી 70 વર્ષીય વ્યક્તિની બિનવારસી ડેડબોડી મળી આવી છે, આ સિવાય મૃતકોની ઓળખ પદ્મનાબન (પુરુષ-ઉ.વ.50), મુરુગાન (પુરુષ-ઉ.વ.50), ગણેશ (પુરુષ-ઉ.વ.70) તરીકે થઈ છે. ફોરશોર એસ્ટેટ બસ ડેપો પાસેથી 60 વર્ષીય મહિલાની બિનવારસી લાશ મળી આવી છે.
Greater Chennai Police says five deaths have occurred due to various reasons including electrocution and falling of trees, as the city reels under the effect of cyclone #Michaung. pic.twitter.com/i3ZUsqcVJv
— ANI (@ANI) December 4, 2023
પીટીઆઈ અનુસાર, ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. ચેન્નાઈમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી જતી છ ટ્રેનો રદ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેએ જાહેરાત કરી છે કે ટ્રેન કેન્સલેશનથી પ્રભાવિત તમામ મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે.
ચેન્નાઈ એરપોર્ટ પર રનવે પર પાણી ભરાઈ જવાને કારણે એક ડઝનથી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ સિવાય હવામાનને જોતા ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને બેંગલુરુ તરફ વાળવામાં આવી હતી. ચેન્નાઈ એરપોર્ટનો રનવે આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે.
VIDEO | Runway at Chennai Airport inundated amid incessant rainfall in the city, triggered by Cyclone Michaung.
— Press Trust of India (@PTI_News) December 4, 2023
(Full video available on PTI - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IVWD5WK4bM
સત્તાવાળાઓએ રાહત અને બચાવ માટે વિલ્લુપુરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવલ્લુર, કુડ્ડલોર અને ચેંગલપટ્ટુના અસરગ્રસ્ત જિલ્લાઓમાં આઠ NDRF અને નવ SDRF ટીમો તૈનાત કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને ચક્રવાતની સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓને કેન્દ્રીય મદદની ખાતરી આપી હતી.
આંધ્રપ્રદેશ સરકારે સુરક્ષાના પગલા લીધા
આંધ્રપ્રદેશના સીએમઓનું કહેવું છે કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કામગીરી માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધા છે. ચક્રવાતને જોતા અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.