Manish Sisodia resign: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આપ્યું રાજીનામું
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું છે. સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દિધુ છે.
નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું છે. સત્યેન્દ્ર જૈને પણ પોતાનું રાજીનામું આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. મનીષ સિસોદિયા પાસે ઘણા વિભાગોની જવાબદારી હતી. સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા પછી મનીષ સિસોદિયા તેમના વિભાગનું કામ જોઈ રહ્યા હતા. મનીષ સિસોદિયા દિલ્હી સરકારના 33માંથી 18 વિભાગનો હવાલો સંભાળતા હતા. સત્યેન્દ્ર જૈન નવ મહિનાથી જેલમાં છે. જ્યારથી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ કેજરીવાલ સરકાર પર આક્રમક બની ગયા છે. તે જ સમયે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી પદ પર હતા. બંનેના રાજીનામા અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે આના કારણે કામ અટકશે નહીં અને ભાજપ પોતાની યોજનામાં સફળ નહીં થાય.
Delhi ministers Manish Sisodia and Satyendar Jain resign from their posts in the state cabinet; CM Arvind Kejriwal accepts their resignation. pic.twitter.com/rODxWkSoc9
— ANI (@ANI) February 28, 2023
સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો
સુપ્રીમ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જોરદાર આંચકો આપ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી સાથો સાથ જામીન પણ નામંજુર કર્યા હતાં. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી.
દેશની વડી અદાલતે આ મામલાની સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો અને જામીન માંગવા સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.
સીજેઆઈએ કહ્યું હતું કે, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન અને અન્ય રાહતની માંગ કરી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆનો કેસ ટાંક્યો પણ તે કેસ આનાથી સાવ અલગ જ હતો. તમારે જામીન લેવા નીચલી કોર્ટમાં જવું જોઈએ. FIR રદ કરાવવા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ.
"સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે"
સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું હતું કે, મને માત્ર 3 મિનિટ બોલવા દો. મને (સિસોદિયા)ને માત્ર બે વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા અર્નેશ કુમાર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવ્યું ન હતું. ન તો મારા પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે કે ન તો મારા છટકી જવાની શક્યતા હતી. સીજેઆઈએ કહ્યું હતું કે, આ બાબતો સાચી હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી કરી શકે નહીં.
"હાઈકોર્ટમાં જાવ, અમે નહીં સાંભળીએ"
જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે, મામલો દિલ્હીનો છે, તેનો અર્થ એ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવો. સિંઘવીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક છે. સાથે જ CJIએ વેધક સવાલ કર્યો હતો કે, આ કેસ કઈ કલમમાં આવે છે? સિંઘવીએ જવાબ આપતા કહ્યું હતું કે, આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ આવે છે. તો સીજેઆઈએ કહ્યું હતું કે, તમે જે પણ કહી રહ્યા છો તે હાઈકોર્ટને જણાવો. અમે સાંભળીશું નહીં.