પરિવારમાં ડીપેન્ડન્ટ ક્વોટામાં પુત્રીનો અધિકાર વધારે કે પુત્રવધૂનો ? અલાહાબાદ હાઈકોર્ટે શું આપ્યો ઐતિહાસિક ચુકાદો ?
અલ્હાબાદ હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ નીરજ તિવારીએ અરજદાર પુષ્પા દેવીની અરજી સ્વીકારવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે ડિપેન્ડન્ટ એટલે કે આશ્રિત ક્વોટા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપીને પરિવારમાં પુત્રી કરતાં પુત્રવધુનો અધિકાર વધુ હોવાનું કહ્યું છે. હાઈકોર્ટના આદેશ પછી હવે સસ્તા અનાજની દુકાન સહિત કોઈ પણ વ્યવસાયમાં લાઈસંસધારકના મોત થયા પછી વ્યવસાય પર પહેલો અધિકાર પુત્રીનો નહીં પણ પૂત્રવધુનો માનવામાં આવશે.
હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ડિપેન્ડન્ટ ક્વોટાના નિયમોમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવા જણાવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે રાશનની દુકાનનું લાઈસંસ ધરાવનારનું મોત થતાં દુકાનની ફાળવણી માટે પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ નીરજ તિવારીએ અરજદાર પુષ્પા દેવીની અરજી સ્વીકારવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. સાથે સાથે તેમના નામે સસ્તા અનાજ (રાશન)ની દુકાન ફાળવવા પણ રાજ્ય સરકારને આદેશઆપ્યા હતા.
હાઈકોર્ટે આ કેસમાં પૂર્ણ બેન્ચના ચૂકાદાના આધારે પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ કરવા ચૂકાદો આપ્યો હતો. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના લગતા સુધા જૈન વિરૂધ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય તેમજ ગીતા શ્રીવાસ્તવ વિરૂધ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસના ચુકાદાને ટાંક્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટની સંપૂર્ણ બેન્ચે ડિપેન્ડન્ટ ક્વોટામાં પુત્રી કરતાં પૂત્રવધુનો અધિકાર વધુ હોવાનું જણાવ્યું હતું.
અરજદાર પુષ્પાદેવીએ હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, પોતે વિધવા છે. તેમની સાસુના નામે રાશનની દુકાનનું લાઈસંસ છે. તેમનાં સાસુ મહાદેવીનું 11 એપ્રિલ 2021ના રોજ નિધન થતાં તેમની પાસે આવકનું કોઈ સાધન નતી કેમ કે પોતે અને પોતાનાં બંને બાળકો સંપૂર્ણપણે સાસુની આવક પર નિર્ભર હતા. સાસુના મૃત્યુ પછી પરિવારમાં એવો કોઈ પુરુષ અને મહિલા નથી કે જેમના નામે રાશનની દુકાન ફાળવવામાં આવે. પોતે સાસુના કાયદેસરના ઉત્તરાધિકારી છે અને તેમના નામે રાશનની દુકાન ફાળવવામાં આવે.
અરજદારે રાશનની દુકાનની ફાળવણીના સંબંધમાં રાજ્ય સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગને અરજી કરી હતી. આ વિભાગે એમ કહીને અરજી નકારી કાઢી કે ઉત્તર પ્રદેશ સરકારના 5 ઑગસ્ટ, 2019ના નિયમ હેઠળ પૂત્રવધુ અથવા વિધવા પૂત્રવધુનો પરિવારની શ્રેણીમાં સમાવેશ કરાયો નથી. આ સંજોગોમાં પૂત્રવધુને રાશનની દુકાનની ફાળવણી કરી શકાય નહીં. આ નિયમના આધારે જિલ્લા પૂરવઠા અધિકારીએ દુકાનનું લાઈસંસ પૂત્રવધુને આપવાનો ઈનકાર કર્યો હતો. અરજદાર પુષ્પા દેવીએ પૂરવઠા વિભાગના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.