Farmers Protest: ખેડૂતોના પ્રદર્શનને સાત મહિના પૂરા, આજે રાજભવન બહાર કરશે પ્રદર્શન
ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદાના કાણે કૃષિ ક્ષેત્ર પણ મૂડીપતિઓ અને કૉર્પોરેઠ હાઉસીસના હાથમાં જતો રહેશે અને તેનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે. તેથી તેઓ સાત મહિનાથી દિલ્હીની વિવિધ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે ખેડૂતોના આંદોલનના સાત મહિના આજે પૂરા થવા પર દેશભરમાં રાજભવન બહાર ખેડૂતો પ્રદર્શન કરશે અને આવેદન સોંપશે. ખેડૂતોનું આ પ્રદર્શનથી કોરોનાના સુપર સ્પ્રેડર બનવાનો ખતરો પણ ઉભો થયો છે.પંચકુલા, મોહાલી અને લખનઉમાં શાનદાર તૈયારી છે.
ખેડૂત સંગઠનો મુજબ દિલ્હીમાં કોઈ પ્રદર્શન કે માર્ચ નહી થાય. ધરતીપુત્રો દિલ્હીની ગાઝીપુર, ટીકરી અને સિંઘુ બોર્ડર પર 26 નવેમ્બરથી ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, કેન્દ્રના ત્રણ કાયદા સામે આંદોલનના સાત મહિના પૂરા થવા પર કહ્યું, મૂંગી અને બહેરી સરકાર જ આ પ્રકારનો વ્યવહાર કરી શકે છે.
કયા છે આ ત્રણ કાયદા
કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે જ્યાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી)ની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હશે. આ કાયદામાં ખેડૂતોના પાકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ જાતની રોકટોક વગર વેચાણ કરવાની વાતને ઉત્તેજન અપાયું છે. બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ છે જેથી ખેડૂતોને સારી કિંમત મળી શકે. તેમાં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત પણ કરાઈ છે.
કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020
આ કાયદામાં કૃષિ કરારો (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ કરાઈ છે. આ કાયદા અંતર્ગત ખેડૂતો કૃષિ વેપાર કરનાર ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારી, નિકાસકારો કે મોટા છૂટક વિક્રેતાઓ સાથે કૉન્ટ્રેક્ટ કરીને પહેલાંથી નક્કી કરેલ કિંમત પર ભવિષ્યમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે. પાંચ હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકશે. બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના સ્થાને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનારા આયોજક પર નાખવામાં આવ્યો છે. અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવું, ટૅક્નિકલ સહાયતા અને પાકના સ્વાસ્થ્ય પર નજર, ઋણની સુવિધા અને પાક વીમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ અંતર્ગત ખેડૂતો મધ્યસ્થીને હઠાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે છે. કોઈ વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં એક તંત્રને સ્થાપિત કરવાની વાત પણ કરાઈ છે.
આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020
આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હઠાવવાનો અર્થ એ થયો કે માત્ર યુદ્ધ જેવી ‘અસાધારણ પરિસ્થિતિઓ’ને બાદ કરતાં હવે મનફાવે એટલો સ્ટૉક રાખી શકાશે. આ કાયદાથી ખાનગી સેક્ટરનો કૃષિ ક્ષેત્રમાં ડર ઓછો થશે કારણ કે અત્યાર સુધી વધુ પડતા કાયદાકીય હસ્તક્ષેપના કારણે ખાનગી રોકાણકારો આ ક્ષેત્રમાં આવતાં ગભરાતાં હતા. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણ થશે. આ કાયદો અમુક વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદ કરશે. બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડો થશે.
ખેડૂત સંગઠનો કેમ કરી રહ્યા છે વિરોધ
ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદાના કાણે કૃષિ ક્ષેત્ર પણ મૂડીપતિઓ અને કૉર્પોરેઠ હાઉસીસના હાથમાં જતો રહેશે અને તેનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે.