પ્રિયંકા ગાંધી-કમલનાથ સામે ઈન્દોરમાં ફરિયાદ, શિવરાજ સરકાર વિરુદ્ધ કર્યુ હતું આ ટ્વિટ
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને કમલનાથની મુશ્કેલીઓ વધી રહી છે. ભોપાલ બાદ હવે ઈન્દોરમાં પ્રિયંકા ગાંધી, કમલનાથ અને અરુણ યાદવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
FIR Against Priyanka Gandhi: કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને કમલનાથની મુશ્કેલીઓ વધી રહી છે. મધ્યપ્રદેશના ભોપાલ બાદ હવે ઈન્દોરમાં કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને અરુણ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવરાજ સરકાર વિરુદ્ધ વાયરલ લેટર પોસ્ટ કરવા બદલ કૉંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કલમ 420 અને 469 હેઠળ FIR નોંધવામાં આવી છે.
કૉંગ્રેસના નેતાઓના આ ટ્વિટને કારણે હંગામો થયો હતો
કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એક પ્રકાશિત સમાચાર પોસ્ટ કરીને લખ્યું, 'મધ્યપ્રદેશમાં કોન્ટ્રાક્ટરોના યુનિયને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી છે કે રાજ્યમાં 50 ટકા કમિશન આપ્યા પછી જ પેમેન્ટ મળે છે. કર્ણાટક ચૂંટણીનું ઉદાહરણ આપતાં પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું, 'કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકાર 40 ટકા કમિશન વસૂલ કરતી હતી. મધ્યપ્રદેશમાં ભાજપ ભ્રષ્ટાચારનો પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ નીકળી ગયો છે.
એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, 'કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને બહાર કરી, હવે મધ્યપ્રદેશની જનતા 50 ટકા કમિશનવાળી ભાજપ સરકારને સત્તા પરથી હટાવશે.'
કમલનાથે પ્રિયંકા ગાંધીની પોસ્ટને રીટ્વીટ કરી હતી
આ પછી કમલનાથે પ્રિયંકા ગાંધીની પોસ્ટને રીટ્વીટ કરી અને લખ્યું, 'આદરણીય પ્રિયંકાજી, મધ્ય પ્રદેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના રાક્ષસને આખી દુનિયા સમક્ષ ઉજાગર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે મધ્યપ્રદેશના લોકો કેવી રીતે શાસક પક્ષના કમિશન અને લૂંટનો ભોગ બને છે. મધ્યપ્રદેશમાં ગર્ભવતી મહિલાઓના પોષણથી લઈને ભગવાન મહાકાલના સંકુલના નિર્માણમાં 50%થી વધુ કમિશનનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ધોષણાવીર નટવરલાલની સરકાર છે જે 'પૈસા આપો, કામ કરો"ના સિદ્ધાંત પર ચાલી રહી છે.
ભાજપે કૉંગ્રેસ પર પ્રહારો કર્યા
કૉંગ્રેસની આ પોસ્ટને ખોટી ગણાવીને ભાજપે વિપક્ષી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. બીજેપી નેતાએ કહ્યું કે પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામથી પરેશાન થઈને કોંગ્રેસ રાજ્ય અને દેશમાં આવા જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરી રહી છે. ભાજપના કાર્યકરોએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કમલનાથ વિરુદ્ધ તેમની આવી હરકતો સામે ફરિયાદ નોંધાવી છે, જેથી ભવિષ્યમાં આ લોકો આવી ભ્રમણા અને જુઠ્ઠાણા ન ફેલાવે.
https://t.me/abpasmitaofficial