"પાણી પણ ના આપ્યા"ના નવનીત રાણાના દાવાને મુંબઈ પોલીસ કમિશ્નરે વીડિયો શેર કરીને ફગાવ્યો, ચા પીતાં દેખાયાં સાંસદ
મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ખાર પોલીસ સ્ટેશનનો એક વીડિયો ટ્વીટ કર્યો છે
MP Navneet Rana: મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ખાર પોલીસ સ્ટેશનનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા ચા પીતા જોવા મળે છે અને સાથે જ તેમની સામે મુકેલી પાણીની બોટલ પણ વીડિયોમાં દેખાઈ રહી છે.
સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમણે 23 તારીખની રાત ખાર પોલીસ સ્ટેશનની અંદર વિતાવી હતી અને આ દરમિયાન તેમને પાણી પણ નહોતું પીવા દેવામાં આવ્યું.
નવનીત રાણાએ પત્રમાં લખ્યું હતું કે, જ્યારે તેમણે પાણી માંગ્યું ત્યારે પોલીસકર્મીઓએ તેમને નીચી જાતિના હોવાનું કહીને પાણી નહોતું આપ્યું. જો કે, ખાર પોલીસ સ્ટેશનમાં કોઈ લોકઅપ નથી, જેના કારણે પોલીસ સ્ટેશનમાં કોઈની ધરપકડ કરવામાં આવે છે, તો તેમને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પાસેના લોકઅપમાં રાખવામાં આવે છે. નવનીત રાણા આખી રાત ખાર પોલીસ સ્ટેશનમાં રહેવાની વાત કરી રહી છે જ્યારે તેમને સાંતાક્રુઝમાં લોકઅપમાં રાખવામાં આવ્યાં હતાં.
નવનીત રાણાએ પાણી ના આપ્યાના દાવા અંગે હવે ખુદ મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જવાબ આપ્યો છે. સંજય પાંડેએ એક ટ્વીટ કર્યું હતું જેમાં નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા ચા પીતા જોવા મળે છે. આ વીડિયો જાહેર થયા બાદ નવનીત રાણાના સ્પીકરને લખેલા પત્રમાં જે દાવા કરાયા હતા તે અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે.
Do we say anything more pic.twitter.com/GuUxldBKD5
— Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022
અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી લોકસભા સાંસદ નવનીત રાણાની ધરપકડ અને પોલીસ દ્વારા કથિત અમાનવીય વર્તન અંગે તથ્યપૂર્ણ અહેવાલ માંગ્યો હતો. લોકસભાની વિશેષાધિકાર અને નૈતિક સમિતિએ ગૃહ મંત્રાલયને મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગવા કહ્યું હતું, જેના પછી મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી અહેવાલ માંગ્યો હતો.